પહેલગામના આતંકવાદીઓ ફરાર છે, સરકાર મોકલે છે ડેલિગેશનઃ કોંગ્રેસ

નવી દિલ્હીઃ આતંકવાદ સામેની તૈયારી અને સર્વપક્ષી પ્રતિનિધિમંડળ અંગે કોંગ્રેસે પ્રશ્નો ઊભા કર્યા છે. કોંગ્રેસના મહામંત્રી તથા મિડિયા ઇન્ચાર્જ જયરામ રમેશે બુધવારે કહ્યું હતું કે 26/11ના મુંબઈ હુમલાના આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા અને એક આતંકવાદીની ધરપકડ થઈ હતી.  ત્યાર બાદ વિશ્વના દેશો ભારતના સમર્થનમાં ઉભા રહ્યા હતા, પરંતુ પહેલગામ હુમલાના આતંકવાદીઓ હજી પણ ફરાર છે અને સરકાર ફક્ત ડોઝિયર તૈયાર કરી રહી છે તેમ  સર્વપક્ષી પ્રતિનિધિમંડળને વિદેશ મોકલી રહી છે.

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીની ટીકા અંગે ભાજપ પર પ્રહારો કરતાં કોંગ્રેસના મહામંત્રીએ કહ્યું હતું કે કોંગ્રેસ નેતા પાછળ પડવાને બદલે ભાજપે પોતાની ઊર્જા પાકિસ્તાન અને ચીન સામે ખર્ચવી જોઈએ. તેમણે કહ્યું હતું  કે મોહમ્મદ અલી જિન્નાને ક્લીનચિટ કોણે આપી અને કોણે તેમની પ્રશંસા કરી? ભાજપે તેનો જવાબ આપવો જોઈએ. તેમણે જણાવ્યું હતું કે જસવંતસિંહ અને લાલકૃષ્ણ અડવાણીએ જિન્નાની પ્રશંસા કરી અને તેમને મહાન નેતા ગણાવ્યા હતા.તેમણે કહ્યું હતું કે પાકિસ્તાન સાથે સંબંધ સુધારવા માટે અટલ બિહારી વાજપેયી લાહોર બસ યાત્રા પર ગયા હતા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી નવાઝ શરીફ સાથે લંચ કરવા માટે લાહોર ગયા હતા.

તેમણે વડા પ્રધાન મોદીની ટીકા કરતાં કહ્યું હતું  કે જ્યારે તમે નિરાશ થઈ ગયા છો અને તમારી છબી ધૂંધળી થઈ ગઈ છે ત્યારે સાંસદોને વિદેશ મોકલી રહ્યા છો.કોંગ્રેસ નેતાનો દાવો છે કે હવે ભાજપ સરકારની નિષ્ફળતાઓથી ધ્યાન દૂર કરવા પ્રયાસ કરી રહી છે.