આપણી અંદરના અને બાહ્ય જગત વચ્ચેના સંઘર્ષને લીધે જ ક્લેશ સર્જાય…

ભજન સાંભળવાં એ મારો પ્રિય શોખ છે એમ કહો તો ચાલે. હાલમાં હું શ્રી અરવિંદ આશ્રમે બહાર પાડેલા આલ્બમમાં ભજન સાંભળી રહ્યો હતો. એમાંથી એક ભજનમાં આ અર્થની પંક્તિઓ છેઃ ભગવાન મનુષ્યને કહે છે, “તું મને ક્યાં શોધે છે, હું તો તારી અંદર જ રહેલો છું!”

એકદમ સાચી વાત છે. આપણે ઈશ્વરને સર્વવ્યાપી કહ્યા છે. એ જ રીતે અહં બ્રહ્માસ્મિ પણ કહ્યું છું. આપણે મંદિરોમાં જઈએ છીએ, શાસ્ત્રો વાંચીએ છીએ, ક્રિયાકર્મો કરીએ છીએ, ઉપવાસ કરીએ છીએ અને આજના સોશિયલ મીડિયાના યુગમાં નિયમિતપણે વ્હોટ્સએપ પર ભગવાનનાં ચિત્રો, પ્રાર્થનાઓ, સુવિચારો, વગેરે મોકલ્યે રાખીએ છીએ. વાસ્તવમાં, પ્રભુ આપણી અંદર હોવા છતાં આપણે હંમેશાં એને બહાર શોધતાં રહીએ છીએ.

મન જેટલું શાંત અને ક્લેશરહિત રહેશે એટલી જ માનસિક તાણ ઓછી થશે અને પ્રસન્નતા તથા સ્વસ્થતા અનુભવાશે. આને જ પ્રભુનું પ્રાગટ્ય કહી શકાય. આપણા મનના ક્લેશ એ બીજું કંઈ નહીં, પણ આપણી પાંચે ઇન્દ્રીયોએ કરેલા અનુભવોના અર્થઘટનને લીધે ઊભા થયેલા વિરોધાભાસ છે. આપણી અંદરના અને બાહ્ય જગત વચ્ચેના આ સંઘર્ષને લીધે જ ક્લેશ સર્જાય છે. પરિણામે, માનસિક તાણ, તંગદિલી, વિષાદ એ બધું પેદા થાય છે. તેની અસર ટૂંકા ગાળે આપણા શરીર પર થાય છે અને સમય જતાં ગંભીર બીમારીઓ ઊભી થાય છે. મહર્ષિ પતંજલિએ યોગસૂત્રમાં આવા ક્લેશનું વિગતવાર વર્ણન અને વિશ્લેષણ કર્યું છે.

અહીં કહેવું ઘટે કે આ વિરોધાભાસ-સંઘર્ષ આપણા મન પર સૂક્ષ્મ છાપ મૂકી જાય છે અને ગમે ત્યારે ગમે તે રીતે પ્રગટ થયા કરે છે. તેમાંથી અમુક વિરોધાભાસ તો એટલા શક્તિશાળી બની ગયા હોય છે કે આપણા સમગ્ર અસ્તિત્વને હચમચાવી કાઢે છે. એવી સ્થિતિમાં આપણે વિચારોના વમળમાં ફસાઈ જઈને વર્તમાનને બગાડી કાઢીએ છીએ. આપણે પોતાના જ વિચારોમાં એટલા ગૂંચવાઈ જઈએ છીએ કે વર્તમાન અંધકારમય બની જાય છે.

તમે જોયું હશે કે લોકો જ્યારે આંખ બંધ કરીને બેસે છે ત્યારે ઘણા બધા વિચારો આવ્યે રાખે છે. હકીકતમાં આપણે થોડું વધુ ઉંડાણમાં જવાની જરૂર હોય છે. ઉંડાણમાં જઈએ તો જોઈ શકાય છે કે આ બધા વિચારો એ બીજું કંઈ નહીં પણ આપણી પંચેન્દ્રીયોએ કરેલા અનુભવોનું અર્થઘટન છે, જેને આપણે પોતાની સ્મૃતિમાં સંઘરી લીધા છે. કોઈ પણ વ્યક્તિને બીજી વ્યક્તિના મન પર પડેલી છાપને લીધે વિચારો આવતા નથી, પોતાના મનના સંગ્રહમાંથી જ બધા વિચારો બહાર આવ્યે રાખતા હોય છે. આ બધું આપણે જ કરેલું હોય છે અને આપણે જ ભોગવવું પડે છે.

આવી સ્થિતિમાં સૌએ વધુ ને વધુ આત્મચિંતન કરવાની જરૂર હોય છે. શરૂઆતમાં આત્મચિંતન કરતી વખતે પુષ્કળ વિચારો આવશે. એ બધા વિચારો આપણે જ મનમાં ભેગો કરેલો કચરો હોય છે. તેને દૂર કરવાની જરૂર છે. કુદરતે આપણા સૌની અંદર જાતે સફાઈ થઈ જાય એવી વ્યવસ્થા કરી આપી છે. એ વ્યવસ્થા શું છે તે કહું. જ્યારે પણ આવી રીતે વિચારો આવવા લાગે ત્યારે તેના પ્રત્યે પ્રતિક્રિયા કરવાને બદલે તેનું ફક્ત સાક્ષીભાવે નિરીક્ષણ કરવું. આપણે ટીવી જોતા હોઈએ એ જ રીતે આ વિચારોને પણ જોવા. વિચારો દૂર થયા બાદ આપણે અંતરમન સુધી પહોંચી શકીશું. એને જ ભગવાન કહેવાય છે. એ સ્થિતિ શાંતિ, સ્વસ્થતા અને નિર્મળતાની હોય છે.

“મને મોબાઇલ, કાર, વગેરે મળી જશે ત્યારે હું સુખી થઈશ,” એવી વાત કહેનાર સુખને પોતાની બહાર શોધી રહ્યો છે. “મને નવા મોટા ઘરમાં ગયા પછી શાંતિ મળશે,” એવું કહેનાર સુખને પોતાની બહાર શોધી રહ્યો છે. ખરેખર તો ઘર હોય કે બીજી બધી ભૌતિક વસ્તુઓ હોય, એ બધાનું મૂલ્ય દરેકની મનઃસ્થિતિ પર નિર્ભર કરે છે. આથી ખરું સુખ મનમાં છુપાયેલું છે, એ બધી વસ્તુઓમાં નહીં.

યોગિક વેલ્થ આપણને આ આંતરિક સમૃદ્ધિ-સંપત્તિનો આનંદ માણવાનું શીખવે છે. સંપત્તિ નિત્ય, કાયમી છે. સંપત્તિ એટલે લક્ષ્મી. આંતરિક સમૃદ્ધિની ખેવના કરો, મનમાં ડોકિયું કરો. જો મન સ્વસ્થ અને શાંત હશે તો બધે આનંદની પ્રાપ્તિ થશે. આંતરિક અને બાહ્ય જગતનો આનંદ આપણા મનની સ્થિત પર નિર્ભર છે. જો આપણે ફક્ત બહાર જ જોયા કરીશું તો બહાર કે અંદર, ક્યાંય આનંદની પ્રાપ્તિ નહીં થાય. અંદર નિહાળો, ઈશ્વર તમારી અંદર જ છુપાઈને બેઠો છે, એને શોધી કાઢો.

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)