ભારત-પાકિસ્તાન મેચ સામે વિરોધ પક્ષની કાગારોળ

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાનની મેચને લઈને દેશમાં વિરોધ ચાલુ છે. વિરોધી પક્ષો આ મેચ પર સવાલ ઉઠાવી રહ્યા છે અને કેન્દ્ર સરકાર પર હુમલો કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી (AAP), શિવસેના UBTથી લઈને જમ્મુ-કાશ્મીર નેશનલ કોન્ફરન્સના નેતાઓએ તેને શહીદોનું અપમાન ગણાવ્યું છે.

એશિયા કપ 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો થવાનો છે. એક વર્ષ પછી બંને દેશો ક્રિકેટના મેદાનમાં આમનેસામને ટકરાવાના છે. આ વખતે ભારતીય ફેન્સમાં એટલો ક્રેઝ નથી જોવા મળી રહ્યો, કેમ કે પાકિસ્તાની આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીરની પહેલગામ ઘાટીમાં 26 નિર્દોષ લોકોની હત્યા કરી છે.

આ મુકાબલાને લઈને રાજકીય ઘમસાણ મચ્યું છે. અનેક પાર્ટીઓએ આ મેચના બાહિષ્કારનું આહવાન કર્યું છે.  વિરોધ પક્ષોનું કહેવું છે કે પાકિસ્તાન સાથે મેચ રમવી એટલે શહીદોનું અપમાન કરવું છે.

ભારત-પાકિસ્તાન વચ્ચે થનારી ક્રિકેટ મેચના વિરોધમાં આમ આદમી પાર્ટીએ (AAP) દિલ્હીમાં પૂતળા દહન કર્યું હતું. પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂતળાને આગ ચાંપી દેવામાં આવ્યો. આ દરમિયાન AAPના વરિષ્ઠ નેતા અને દિલ્હીના ભૂતપૂર્વ આરોગ્ય મંત્રી સૌરભ ભારદ્વાજ પણ હાજર હતા. એ સાથે જ અન્ય કાર્યકર્તાઓએ સૂત્ર પોકાર્યાં હતાં કે – લોહી અને મેચ સાથે નહીં ચાલે.

ભારત અને પાકિસ્તાનની મેચને લઈને BCCIના સચિવે તાજેતરમાં કહ્યું હતું કે બોર્ડ સંપૂર્ણપણે કેન્દ્ર સરકારના નિર્દેશોનું પાલન કરે છે. સરકારની સ્પષ્ટ નીતિ છે કે ભારત પાકિસ્તાન સાથે માત્ર ICCના ટુર્નામેન્ટ્સમાં રમશે, પરંતુ પાકિસ્તાન સાથે કોઈ દ્વિપક્ષી શ્રેણી નહીં રમે.

મહારાષ્ટ્રમાં મેચ પર રાજકારણ

શિવસેના ઉદ્ધવ જૂથના વડા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે એવું શું થયું કે જેની સાથે અમે યુદ્ધ લડ્યા, તેની સાથે હવે મેચ રમવાના છીએ? મને લાગે છે કે આ લોકો દેશભક્તિની મજાક ઉડાવી રહ્યા છે.

ભારત-પાકિસ્તાન મેચને લઈને પંજાબના CM ભગવંત માને પણ કેન્દ્ર સરકાર પર હુમલો કર્યો છે. તેમણે કહ્યું – જ્યારે દિલજીત દોસાંઝની ફિલ્મ આવે ત્યારે તેઓ કહે છે કે આ દેશદ્રોહી છે, તેને રોકો, પરંતુ મોટા સાહેબનો દીકરો ICC અને BCCIને જોઈ રહ્યો છે ત્યારે બધું બરાબર છે.