નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ જારી કરીને OTT અને સોશિયલ મિડિયા પ્લેટફોર્મ્સ પર શેર થતા કે દર્શાવાતી અશ્લીલ સામગ્રી પર રોક લગાવવાનો આદેશ આપ્યો છે. કોર્ટે એક જાહેર હિત અરજીની સુનાવણી કરતી વખતે કેન્દ્ર સરકારને એમેઝોન પ્રાઇમ વિડિયો, નેટફ્લિક્સ, ULLU, ALTT જેવા OTT પ્લેટફોર્મ્સ અને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, X (ટ્વિટર) જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પોસ્ટ થતી અશ્લીલ સામગ્રી પર નિયંત્રણ મૂકવા માટે યોગ્ય પગલાં લેવા નિર્દેશ આપ્યા છે.
સુપ્રીમ કોર્ટે આ પ્લેટફોર્મ્સ પર તીખી ટિપ્પણી કરતાં કહ્યું હતું કે ઓવર ધ ટોપ (OTT) અને સોશિયલ મિડિયા પ્લેટફોર્મ્સની પણ સામાજિક જવાબદારી છે કે જ્યારે બેન્ચ એના પર દેખાડાતી અશ્લીલ સામગ્રી અંગે સુનાવણી ચાલી રહી હતી. કોર્ટમાં જાહેર હિતની અરજીમાં આવા અશ્લીલ કન્ટેન્ટ પર પ્રતિબંધ મૂકવાની માગ કરવામાં આવી હતી. જેના પર કોર્ટે કેન્દ્ર સરકારને યોગ્ય પગલાં લેવાનો આદેશ આપ્યો છે.
સુપ્રીમ કોર્ટમાં દાખલ થયેલી જાહેર હિત અરજીમાં એ પણ માગ કરવામાં આવી હતી કે નેશનલ કન્ટેન્ટ કંટ્રોલ ઓથોરિટી (NCC) દ્વારા આ પ્લેટફોર્મ્સ પર સ્ટ્રીમ થતી સામગ્રીનું મોનિટરિંગ કરે અને નિયમન કરવું જોઈએ, જેથી OTT અને સોશિયલ મિડિયા પ્લેટફોર્મ્સ દ્વારા અશ્લીલતા ના ફેલાય.
કેન્દ્રએ રજૂ કર્યા નિયમો
કેન્દ્ર સરકારે આ મુદ્દે ઘણા નિયમો રજૂ કર્યા છે અને ભવિષ્યમાં તેને વધુ કડક બનાવવાનું આશ્વાસન પણ આપ્યું છે. કેન્દ્ર સરકારની દલીલને સ્વીકારી કોર્ટે જણાવ્યું હતું કે તે કાર્યપાલિકા અને ન્યાયપાલિકા બંનેના માર્ગમાંથી દૂર રહેવા માગે છે.
