ભોજશાળા પ્રાંગણમાં નમાજ માટે કોર્ટની ‘સુપ્રીમ’ મંજૂરી નહીં

નવી દિલ્હીઃ ધારની ભોજશાળા મામલે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન એક મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. મધ્ય પ્રદેશ હાઈકોર્ટના નિર્ણય સામે મુસ્લિમ પક્ષ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓ પર સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) ભોજશાળા પરિસરમાં કોઈ પણ પ્રકારના માળખાકીય ફેરફારો (Structural Changes) નહીં કરે. મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંત, ન્યાયમૂર્તિ જોયમાલા બાગચી અને ન્યાયમૂર્તિ મોહનાની ખંડપીઠે આ સંવેદનશીલ મામલાની સુનાવણી બાદ આ આદેશ આપ્યો હતો. એ ઉપરાંત સુનાવણી દરમિયાન કોર્ટે નમાજને લઈને એક વચગાળાની વ્યવસ્થા બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો અને હાઈકોર્ટ દ્વારા લંડન મ્યુઝિયમમાંથી વાગ્દેવી (સરસ્વતી)ની મૂર્તિ પાછી લાવવાના આદેશ પર પણ ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા હતા.

સુનાવણી બાદ મુસ્લિમ પક્ષની અપીલ પર સુપ્રીમ કોર્ટે હિંદુ પક્ષ, રાજ્ય સરકાર, જિલ્લા કલેક્ટર (DM) અને ASIને નોટિસ જારી કરીને જવાબ માગ્યો છે. હવે આ મામલે જુલાઈના ત્રીજા સપ્તાહમાં આગામી સુનાવણી થશે. આ સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે પરિસરમાં શુક્રવારની નમાજ પર પ્રતિબંધ યથાવત્ રહેશે. આ ઉપરાંત કોર્ટે હાઈકોર્ટના નિર્ણય પર હાલ સ્ટે લગાવવાનો ઇનકાર કરતાં કહ્યું હતું કે ભોજશાળા પરિસરની નજીક દર શુક્રવારે બપોરે એકથી ત્રણ વાગ્યા દરમિયાન નમાજ માટે અલગ જગ્યા ઉપલબ્ધ કરાવવામાં આવે.

નમાજ માટે વૈકલ્પિક સ્થળનો પ્રસ્તાવ

CJI સૂર્ય કાંતે મુસ્લિમ પક્ષને પણ પૂછ્યું હતું કે શું અમે આસપાસના વિસ્તારમાં નમાજની વ્યવસ્થા કરવાનો આદેશ આપી શકીએ? આ મામલે અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી આવી વચગાળાની વ્યવસ્થા કરી શકાય. મુખ્ય ન્યાયાધીશે આગળ કહ્યું હતું કે અમે અગાઉ વસંત પંચમીના દિવસે પણ વચગાળાની વ્યવસ્થા કરી હતી અને બંને પક્ષોને પૂજા-અર્ચનાની મંજૂરી આપી હતી. તે સમયે મામલો કોર્ટમાં વિચારાધીન હતો, પરંતુ હવે હાઈકોર્ટનો અંતિમ નિર્ણય આવી ચૂક્યો છે.

હાઈકોર્ટના આદેશ પર સુપ્રીમ કોર્ટે પ્રશ્નો ઉઠાવ્યા

સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે મધ્ય પ્રદેશ હાઈકોર્ટના તે આદેશ પર પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું, જેમાં લંડન મ્યુઝિયમમાંથી દેવી સરસ્વતીની મૂર્તિ પાછી લાવવાની વાત કરવામાં આવી હતી.