દાન વિવાદ: SITનું પુનર્ગઠન કરવામાં આવેનો સુપ્રીમ આદેશ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે સોલિસિટર જનરલને કહ્યું છે કે તેઓ ઉત્તર પ્રદેશ સરકાર સાથે ચર્ચા કરીને જણાવે કે રામ મંદિર દાન કેસની તપાસ માટે રચાયેલી SIT  (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ)નું પુનર્ગઠન કરી શકાય કે નહીં. મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતે જણાવ્યું કે સુપ્રીમ કોર્ટ ઇચ્છશે કે આ તપાસનું નેતૃત્વ એવા વરિષ્ઠ IPS અધિકારી દ્વારા કરવામાં આવે જેને આવી પ્રકારની તપાસનો અનુભવ હોય.

સુપ્રીમ કોર્ટે તમામ પક્ષોને આ મામલાનું રાજકીયકરણ ન કરવાની સલાહ આપી. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે અદાલતો રાજકારણ માટેનું મંચ નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ સીધો ફોજદારી ગુનાનો મામલો છે અને અદાલત માત્ર એટલું સુનિશ્ચિત કરવા માગે છે કે તેની યોગ્ય રીતે તપાસ થાય. સોલિસિટર જનરલે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે આ કેસમાં લગાવવામાં આવેલા આરોપોની તપાસ માટે SITની રચના કરવામાં આવી હતી અને હાલમાં પોલીસ તપાસ ચાલી રહી છે. હવે આ મામલાની આગામી સુનાવણી 27 જુલાઈએ થશે, જેમાં ઉત્તર પ્રદેશ સરકાર SIT તપાસ અંગેની માહિતી કોર્ટ સમક્ષ રજૂ કરશે.

સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલે કોર્ટને જણાવ્યું હતું કે અગાઉ રચાયેલી SITનું કાર્ય માત્ર એટલું તપાસવાનું હતું કે આ મામલામાં કોઈ ગંભીર ગુનો બને છે કે નહીં. SITએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું હતું કે કેસ નોંધવા યોગ્ય ગુનો બને છે, જેને આધારે FIR નોંધવામાં આવી છે.

તપાસ માટે નવી SIT બનાવવાની સૂચના

તેમણે સ્પષ્ટ કર્યું હતું કે હાલની SIT પોતે તપાસ કરી રહી નથી. આ અંગે સુપ્રીમ કોર્ટે પૂછ્યું હતું કે શું તપાસ માટે કોઈ અલગ SIT બનાવવામાં આવી છે? જ્યારે જવાબ મળ્યો કે એવી કોઈ SIT રચાઈ નથી, ત્યારે કોર્ટે સૂચન કર્યું હતું કે તપાસ માટે નવી SITની રચના કરવામાં આવે.

વરિષ્ઠ IPS અધિકારીના નેતૃત્વમાં તપાસ થાય

કોર્ટે જણાવ્યું હતું કે અગાઉની SITમાં લખનૌના કમિશનર, નાણાં વિભાગના વિશેષ સચિવ અને લખનૌના એક વરિષ્ઠ IPS અધિકારી સામેલ હતા. સુપ્રીમ કોર્ટે સૂચવ્યું હતું કે હવે એ જ વરિષ્ઠ IPS અધિકારીના નેતૃત્વ હેઠળ નવી SIT રચીને સમગ્ર મામલાની તપાસ કરાવવામાં આવે.