ગાંધીનગર: નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU) “સતર્કતા જાગૃતિ સપ્તાહ-2025″ની ઉજવણી કરવામાં આવી રહી છે. NFSUના સ્થાપક કુલપતિ, પદ્મશ્રીથી સન્માનિત ડૉ. જે. એમ. વ્યાસના નેતૃત્વમાં 27 ઓક્ટોબરથી 2 નવેમ્બર, 2025 સુધી આ ઉજવણી કરવામાં આવી રહી છે. ઉજવણીમાં આ વર્ષની થીમ “સતર્કતા: આપણી સહિયારી જવાબદારી” છે.
આ સતર્કતા સપ્તાહની ઉજવણીના ભાગ રૂપે, એસ.કે. સરીન, સલાહકાર (સતર્કતા)-NFSU દ્વારા તા.28 ઓક્ટોબર, 2025ના રોજ “પ્રિવેન્ટિવ વિજિલન્સ એન્ડ ધ પ્રિવેન્શન ઓફ કરપ્શન (એમેન્ડમેન્ટ) એક્ટ, 2018” પર એક વિશિષ્ટ વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. જેમાં તેઓએ ભ્રષ્ટાચાર સામે લડવા માટે મુખ્ય કાનૂની માળખા અને સક્રિય વ્યૂહરચનાઓ પર મહત્ત્વનો પ્રકાશ પાડ્યો હતો.
ડૉ. જે.એમ. વ્યાસે અધ્યક્ષીય સંબોધનમાં જણાવ્યું હતું કે પ્રસન્નતાની જેમ પ્રામાણિકતા પણ એક જન્મજાત માનવીય ગુણ છે. તેમણે ઉપસ્થિત સૌને ગુના અને ભ્રષ્ટાચારથી મુક્ત સદ્ગુણો કેળવવા વિનંતી કરી હતી. તેમણે સમજાવ્યું કે જ્યારે લોકો ગેરકાયદેસર રીતે ઇચ્છાઓ પૂર્ણ કરવાનો પ્રયાસ કરે છે ત્યારે ભ્રષ્ટાચાર ઉદ્ભવે છે. આને રોકવા માટે, તેમણે સ્વ-શિસ્ત અને વ્યક્તિગત ઇચ્છાઓ પર નિયંત્રણ અનિવાર્ય છે. પ્રામાણિકતા એ ન્યાયયુક્ત સમાજનો મહત્ત્વનો પાયો છે.
કેમ્પસ ડાયરેક્ટર પ્રો. (ડૉ.) એસ.ઓ. જુનારેએ પણ ઉપસ્થિત સૌને જણાવ્યું હતું કે, સતર્કતા જાગૃતિ સપ્તાહની ઉજવણી કરીને NFSU નૈતિક પ્રથાઓને મજબૂત બનાવવા ઉપરાંત ભ્રષ્ટાચાર મુક્ત ભારતના નિર્માણના રાષ્ટ્રીય મિશનમાં પણ યથાર્થ યોગદાન આપી રહ્યું છે.
આ વિશિષ્ટ વ્યાખ્યાન અંતર્ગત પ્રો. (ડૉ.) નવીન કુમાર ચૌધરી, કેમ્પસ ડાયરેક્ટર, NFSU-ગોવા પણ મંચ પર બિરાજમાન હતા. આ પ્રસંગે ઉપસ્થિત સૌએ તથા NFSUના અધ્યાપકગણ અને સ્ટાફે રાજભાષા-હિન્દીમાં જાહેર જીવનમાં પ્રામાણિકતા જાળવી રાખવા અંગેની પ્રતિજ્ઞા પણ લીધી હતી.
 
         
            

