અમદાવાદ: અખિલ ભારતીય મહિલા કોંગ્રેસ દ્રારા આગામી સોમવારના રોજ રાજધાની દિલ્હીના જંતર-મંતરથી દેશવ્યાપી આંદોલન શરૂ કરાશે. આ આંદોલનમાં ગુજરાતમાંથી 150થી વધુ મહિલાઓ ભાગ લેશે. આંદોલનની મુખ્ય ત્રણ માંગણીઓ છે. આ અંગે પત્રકાર પરિષદને ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જેનીબેન ઠુમ્મરે સંબોધન કર્યું. તેમણે કહ્યું કે, પ્રથમ માંગણી મહિલાઓને રાજકીય ન્યાય અને તેમની રાજકીય ભાગીદારી માટેની છે. આ માગણી હેઠળ ૩૩ ટકા મહિલા અનામતનો કાયદો તાત્કાલિક લાગુ કરવાની માગ છે. હાલમાં સંસદ સત્ર ચાલી રહ્યું છે, આ અંગે સરકાર ચર્ચા કરીને તેનો તાત્કાલિક અમલ કરે તેવી માગ છે. હરિયાણા, ઝારખંડ, જમ્મુ-કાશ્મીર, મહારાષ્ટ્ર, આ રાજ્યોમાં 2024ના અંત સુધીમાં ચૂંટણી યોજાવાની છે, જેથી આ રાજ્યની મહિલાઓને અનામતનો લાભ મળી શકે.બીજી માંગણી આર્થિક ન્યાય છે. આજે મહિલાઓ વધતી મોંઘવારી અને બેરોજગારીનો ભોગ બની રહી છે. જેના પરિણામે બહેનો ઘરેલુ હિંસાનો શિકાર બની રહી છે. અમારી માંગ છે કે દેશની અડધી વસ્તીને મોંઘવારીમાંથી રાહત આપવી જોઈએ. આ બજેટમાં મહિલાઓને મોંઘવારીમાંથી રાહત મળશે તેવી અપેક્ષા હતી. પરંતુ આ બજેટ નિરાશાથી ભરેલું રહ્યું છે. અમારી માંગ છે કે મહિલાઓ માટે મહાલક્ષ્મી યોજના લાગુ કરવામાં આવે. મહાલક્ષ્મી યોજનામાં કહેવામાં આવ્યું છે કે મોંઘવારી અને બેરોજગારી સામે લડવા માટે દેશના દરેક ગરીબ પરિવારની એક મહિલાને વાર્ષિક 1 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. દર મહિને લગભગ 8,500 રૂપિયા સીધા તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવશે.ત્રીજી માંગણી સામાજિક ન્યાય અને સુરક્ષાના અધિકાર માટેની છે. ભાજપ સરકારમાં મહિલાઓ પર અત્યાયાર, મહિલાઓ સામેના ગુનાઓ સતત વધી રહ્યા છે. ગુનેગારોમાં કાયદાનો ડર ઓછો થઈ રહ્યો છે. ત્યારે સરકાર ફક્ત પોકળ દાવા અને ખોટા આશ્વાસન આપે છે.