કોંગ્રેસે 70 વર્ષમાં શું કર્યું? પ્રિયંકા ગાંધીએ કહ્યું, ‘મોદી ભણ્યા એ શાળા કોંગ્રેસના રાજમાં જ બંધાઈ હશેને’

ભોપાલઃ મધ્ય પ્રદેશ વિધાનસભાની આગામી ચૂંટણી માટે રાજકીય પક્ષોનો પ્રચાર જોરશોરમાં ચાલે છે. શાસક ભાજપા અને કોંગ્રેસના નેતાઓ પ્રચાર સભાઓ દરમિયાન મતદારો સમક્ષ વચનોની લ્હાણી કરી રહ્યા છે અને સાથોસાથ એકબીજા પર આરોપ-પ્રતિઆરોપ પણ મૂકી રહ્યા છે.

કોંગ્રેસનાં મહામંત્રી પ્રિયંકા ગાંધી-વાડ્રા હાલ મધ્ય પ્રદેશમાં પ્રચારસભાઓ ગજાવી રહ્યાં છે. ઈંદૂર જિલ્લાના સાંવેર મતવિસ્તારમાં એક પ્રચાર સભા વખતે એમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના એમ.એ. (એન્ટાયર પોલિટિકલ સાયન્સ)ની પોસ્ટ-ગ્રેજ્યુએટ ડિગ્રી મામલે ફિરકી ઉતારી હતી. એમણે કહ્યું કે, ‘એવો સવાલ કરાય છે કે કોંગ્રેસે 70 વર્ષના રાજમાં દેશ માટે શું કર્યું? મોદી પોતે પૂછે છે કે કોંગ્રેસના રાજમાં દેશે શું વિકાસ કર્યો? તો મારું કહેવું છે કે છેલ્લા 70 વર્ષમાં દેશમાં જો કોઈ વિકાસ થયો નહોતો તો મોદીજી શાળામાં કેવી રીતે ગયા હશે? મોદીજી જે શાળામાં ગયા હતા તે શાળા તો કોંગ્રેસના રાજમાં જ બંધાઈ હશેને? મોદી ખરેખર કોલેજમાં ગયા હતા કે નહીં એની મને ખબર નથી, પરંતુ મોદી પાસે જે એન્ટાયર પોલિટીકલ સાયન્સ વિષયની જે ડિગ્રી સર્ટિફિકેટ છે એ તો ચોક્કસપણે કોંગ્રેસ સરકારે પૂરા પાડેલા કમ્પ્યુટર પર જ પ્રિન્ટ થયું હશેને?’ આવી ટકોર પ્રિયંકાએ કરી હતી.

પ્રિયંકાએ વધુમાં કહ્યું કે, ‘મારાં પિતા દિવંગત રાજીવ ગાંધી વડા પ્રધાન હતા ત્યારે દેશભરમાં સરકારી કામકાજ કમ્પ્યુટરાઈઝ્ડ કરવાનું નક્કી કર્યું હતું. એ વખતે આ જ ભાજપવાળાઓએ એમનો વિરોધ કર્યો હતો. રાજીવ ગાંધીના એ નિર્ણયને લીધે દેશ ટેક્નોલોજીના ક્ષેત્રમાં ઘણો આગળ નીકળી ગયો.’