અભિનેત્રી નહીં પત્રકાર બનવાનું હતું સપનું, પલટી કિસ્મત ને બની ગઈ હીરોઈન

મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા આજે એટલે કે 1લી મેના રોજ પોતાનો 35મો જન્મદિવસ ઉજવી રહી છે. અનુષ્કા શર્માને આજે કોઈ ઓળખની જરૂર નથી. પરંતુ શું તમે જાણો છો કે બૉલિવૂડની ટોચની અભિનેત્રીઓમાંની એક અનુષ્કાની પ્રથમ પસંદગી એક્ટર બનવાની નહીં પરંતુ પત્રકાર બનવાની હતી. હા… અનુષ્કા શર્મા એક સમયે પત્રકારત્વમાં તેની કારકિર્દી બનાવવા માંગતી હતી,પરંતુ તેના ભાગ્યએ તેને પહેલા મોડેલિંગ અને પછી અભિનયની દુનિયામાં ખેંચી.આવો,અનુષ્કા શર્માના જન્મદિવસ નિમિત્તે જાણીએ તેના વિશે કેટલીક અજાણી વાતો.

અનુષ્કા શર્માએ શાહરૂખ ખાનની ફિલ્મ ‘રબ ને બના દી જોડી’થી બૉલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં અનુષ્કા શર્માની નિર્દોષતા અને તેનું પાત્ર દર્શકોને પસંદ આવ્યું હતું.’રબ ને બના દી જોડી’ પછી અનુષ્કાનું નસીબ બદલાયું અને અભિનેત્રીને ફિલ્મોની લાઈન મળી.

શાહરૂખ ખાન પછી અનુષ્કા શર્માએ શાહિદ કપૂરની ફિલ્મ ‘બદમાશ કંપની’માં પોતાનો શાનદાર અભિનય બતાવ્યો હતો. શાહિદ કપૂર પછી અનુષ્કાએ રણવીર સિંહ સાથે ‘બેન્ડ બાજા બારાત’માં વેડિંગ પ્લાનરની ભૂમિકા ભજવીને બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી.

 

ઘણી ફિલ્મો કર્યા બાદ અનુષ્કા શર્મા ફરી એકવાર શાહરૂખ ખાન સાથે ‘જબ તક હૈ જાન’માં જોવા મળી હતી. સફળતાની સીડી ચડ્યા બાદ અનુષ્કા શર્માએ પીકેમાં આમિર ખાન સાથે કામ કર્યું હતું.

ઘણી ફિલ્મોમાં પોતાનો દમદાર અભિનય બતાવ્યા પછી અનુષ્કા શર્માએ પોતાનું પ્રોડક્શન હાઉસ ખોલ્યું જે અભિનેત્રીએ પછીથી તેના ભાઈને સોંપ્યું. અનુષ્કા શર્માએ તેના ફિલ્મી કરિયરમાં NH10, દિલ ધડકને દો, સુલતાન, એ
દિલ હૈ મુશ્કિલ અને પરી જેવી ઘણી ફિલ્મોમાં તાકાત બતાવી છે.

અનુષ્કા શર્માના અંગત જીવનની વાત કરીએ તો અભિનેત્રીએ વર્ષ 2017માં ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા હતા. આજે અનુષ્કા અને વિરાટ કોહલીને બે બાળકો છે – પુત્રી વામિકા અને પુત્ર અકાય. અનુષ્કા શર્મા હાલ મધરહૂડ માણી રહી છે. (તમામ તસવીર: અનુષ્કા શર્મા)