EDII આંત્રપ્રિન્યોરશિપ સ્કીમ હેઠળ ઉત્તરાખંડના પ્રોફેસરોને તાલીમ આપશે

અમદાવાદઃ આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (EDII) આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ અને સ્ટાર્ટઅપ સર્જનને પ્રોત્સાહિત કરવા માટે વિદ્યાર્થીઓને મેન્ટર કરવાના હેતુથી ઉત્તરાખંડની 22 યુનિવર્સિટી અને કોલેજના પ્રોફેસરોને તાલીમ આપશે. આ ટ્રેનિંગ પ્રોગ્રામ ઉત્તરાખંડ સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા પ્રાયોજિત દેવભૂમિ આંત્રપ્રિન્યોરશિપ સ્કીમ હેઠળ આવે છે. સંસ્થાના કેમ્પસમાં પાંચ નવેમ્બરે આ છ દિવસીય કાર્યક્રમ શરૂ થયો હતો.

આ પ્રોગ્રામના ભાગરૂપે ઇનોવેશન, એન્ટરપ્રાઇઝ સર્જન તથા રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજનાઓ અને તેના લાભો વિશે જ્ઞાનના આદાન-પ્રદાન માટેના સેશન્સ યોજાશે. આ ટ્રેનિંગ પ્રોફેસરોને ટીમ બિલ્ડિંગ અને સંકલનમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે તૈયાર કરશે અને સર્જનાત્મક વિચારસરણી, ડિઝાઇન વિચારસરણી, બિઝનેસ મોડલ કેનવાસ, બિઝનેસ પ્લાન, સ્ટાર્ટઅપ ઇન્ક્યુબેશન, ફંડિંગ અને ઉદ્યોગસાહસિકતા શિક્ષણની તક્નિકોને સુધારવામાં મદદ કરશે. આ તાલીમ પછી, પ્રોફેસરો વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા અને નેતૃત્વ કુશળતા વિકસાવવા માટે સજ્જ થશે. આ માટે વિસ્તૃત વર્કશોપ પણ યોજવામાં આવશે. ભાગ લેનાર દરેક વ્યક્તિ માટે એક એક્શન પ્લાન બનાવવામાં આવશે અને પ્રેઝન્ટેશન પણ કરવામાં આવશે.

દેવભૂમિ આંત્રપ્રિન્યોરશિપ સ્કીમના નોડલ ઓફિસર અને ઉચ્ચ શિક્ષણ વિભાગના મદદનીશ નિયામક ડો. દીપક પાંડેએ જણાવ્યું હતું કે આ યોજનાનો ઉદ્દેશ નવી શિક્ષણ નીતિ-2000 અનુસાર ઉત્તરાખંડની યુનિવર્સિટીઓ અને સરકારી સંસ્થાઓમાં નવીનતા અને ઉદ્યોગસાહસિકતાની ઇકોસિસ્ટમ વિકસાવવાનો છે.

દેવભૂમિ આંત્રપ્રિન્યોરશિપ સ્કીમ હેઠળ કુલ 90 પ્રોફેસરોને ત્રણ જૂથોમાં આંત્રપ્રિન્યોરશિપની તાલીમ આપવામાં આવશે. પ્રથમ સમૂહ માટે, ઉત્તરાખંડની વિવિધ સરકારી સંસ્થાઓમાંથી 22 ફેકલ્ટીના સભ્યો આ ટ્રેનિંગ પ્રોગ્રામમાં ભાગ લેવા માટે અમદાવાદ પહોંચ્યા છે. અલ્મોડાના બે, બાગેશ્વરના એક, ચમોલીના બે, ચંપાવતમાંથી એક, દેહરાદૂનથી ત્રણ, હરિદ્વારના બે, નૈનીતાલના ત્રણ, પૌરી ગઢવાલના બે, પિથોરાગઢમાંથી એક, રૂદ્રપ્રયાગમાંથી એક, તેહરીગઢવાલના ત્રણ અને ઉત્તરકાશીથી એક ફેકલ્ટી સભ્ય ભાગ લઈ રહ્યા છે. સહભાગીઓની પસંદગી જનરલ એન્ટરપ્રાઇઝિંગ ટેન્ડન્સી ટેસ્ટ (GETT) દ્વારા કરવામાં આવી છે.

આગામી પાંચ વર્ષમાં દેવભૂમિ આંત્રપ્રિન્યોરશિપ સ્કીમ હેઠળ EDII ટ્રેનર્સની મદદથી લગભગ 50,000 વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપશે અને 15,000 વિદ્યાર્થીઓને ઉદ્યોગ સાહસિકતાની તાલીમ આપવામાં આવશે. છ દિવસીય ટ્રેનિંગ પ્રોગ્રામ બાદ ઉત્તરાખંડમાં વિવિધ સંસ્થાઓમાં બે દિવસીય બુટ કેમ્પનું પણ આયોજન કરવામાં આવશે.