અમદાવાદ-મુંબઈ ‘તેજસ એક્સપ્રેસ’ 30-એપ્રિલ સુધી સસ્પેન્ડ

અમદાવાદઃ કોરોનાવાઈરસ રોગચાળાના કેસ ખૂબ વધી ગયા હોવાને કારણે પશ્ચિમ રેલવેએ અમદાવાદ અને મુંબઈ વચ્ચે ચલાવાતી ‘તેજસ એક્સપ્રેસ’ ટ્રેનને આજથી 30મી એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે. મહારાષ્ટ્રમાં ગઈ કાલે એક જ દિવસમાં કોરોનાના 43,183 કેસ નોંધાયા હતા. દેશમાં રોગચાળો ફાટી નીકળ્યો ત્યારપછી એક જ દિવસમાં આ બીમારીના કેસોનો આટલો મોટો આંકડો આ પહેલી જ વાર નોંધાયો છે.

બીજી બાજુ, ગુજરાતમાં પણ કોરોના બીમારીનો હાહાકાર ચાલુ છે. ત્યાં ગઈ કાલે એક જ દિવસમાં 2,410 કેસ નોંધાયા હતા. તેથી પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના મેનેજરે એક ટ્વીટ કરીને જાણકારી આપી છે કે કોરોનાના કેસ વધી ગયા હોવાને કારણે જનતાના હિતને ખાતર 82902/82901 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ તેજસ એક્સપ્રેસની સેવાને 2 એપ્રિલ, 2021થી એક મહિના સુધી સસ્પેન્ડ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેન અમદાવાદ-મુંબઈ વચ્ચે ગુરુવારને બાદ કરતાં અઠવાડિયાના તમામ દિવસોએ ચલાવવામાં આવે છે.