અમિતાભે પણ કોરોના-રસીનો પહેલો ડોઝ લીધો

મુંબઈઃ હિન્દી ફિલ્મોના મહાનાયક અમિતાભ બચ્ચને કોરોનાવાઈરસ બીમારી સામે સુરક્ષા પૂરી પાડતી રસીનો પહેલો ડોઝ ગઈ કાલે લીધો હતો. 78-વર્ષના અમિતાભે આ જાણકારી પોતાના બ્લોગ મારફત આપી છે અને વેક્સિનેશન સેન્ટરમાં જઈને રસી લેતા હોવાની પોતાની તસવીર પણ એમણે પોસ્ટ કરી છે. એમણે કહ્યું છે કે પુત્ર અભિષેક સિવાય એમના પરિવારનાં તમામ સભ્યોએ રસીનો પહેલો ડોઝ લીધો છે. અભિષેક હાલ એની નવી ફિલ્મ ‘દસવી’ના શૂટિંગ માટે આગરા ગયો છે. શૂટિંગ પતાવીને ત્યાંથી થોડાક દિવસોમાં જ મુંબઈ પાછો ફરશે તે પછી એ પણ કોરોના-રસી લેશે. પરિવારના સભ્યો તથા કર્મચારીઓનું કોવિડ પરીક્ષણ કરાવ્યું હતું અને તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. અમિતાભે કોરોના-રસીકરણ ઝુંબેશને ઐતિહાસિક તરીકે વર્ણવી છે અને કહ્યું છે કે આ વિષયમાં પોતે ટૂંક સમયમાં જ એક લાંબો બ્લોગ લખશે.

મુંબઈમાં, બોલીવૂડના અનેક સિતારાઓએ કોરોના-વિરોધી રસીનો પહેલો ડોઝ લીધો છે. તેમાં સલમાન ખાન, સંજય દત્ત, શર્મિલા ટાગોર-પટૌડી, ધર્મેન્દ્ર, જિતેન્દ્ર, હેમા માલિની, કમલ હાસન, રોહિત શેટ્ટી, નીના ગુપ્તા, રાકેશ રોશન, જોની લીવર વગેરેનો સમાવેશ થાય છે.

(તસવીર સૌજન્યઃ અમિતાભ બચ્ચન ટ્વિટર એકાઉન્ટ)