હું કોઈ ક્રિકેટરને ઓળખતી નથીઃ ઉર્વશી રાઉતેલા

મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમ વતી તાજેતરમાં ઈંગ્લેન્ડ સામેની શ્રેણીઓમાં જોરદાર બેટિંગ ફોર્મમાં રમેલા વિકેટકીપર રિષભ પંત સાથે પોતાનાં રોમાન્સની એક વર્ષ સુધી અફવાઓ ઉડ્યા બાદ અભિનેત્રી ઉર્વશી રાઉતેલાએ કહ્યું છે કે પોતે કોઈ ક્રિકેટરને ઓળખતી નથી.

ઈન્સ્ટાગ્રામ પર એક પ્રશ્નોત્તરી દરમિયાન જ્યારે પૂછવામાં આવ્યું કે તારો ફેવરિટ ક્રિકેટર કોણ છે? ત્યારે ઉર્વશીએ ચતુરાઈપૂર્વક જવાબ આપતા કહ્યું હતું કે, ‘હું ક્રિકેટ મેચ જરાય જોતી નથી તેથી કોઈ ક્રિકેટરને ઓળખતી નથી. મને સચીન સર અને વિરાટ સર માટે ખૂબ માન છે.’

ઉલ્લેખનીય છે કે, 2019માં, પંત અને ઉર્વશીનાં રોમાન્સની વાતો બહુ ચગી હતી. બંને જણ મુંબઈના જુહૂ વિસ્તારની એક હોટેલમાં મોડી રાતે ડિનર ડેટ પર જતાં જોવા મળ્યા હતા. પરંતુ ત્યારબાદ એવા સમાચાર આવ્યા હતા કે પંત અને ઉર્વશીનાં રસ્તા અલગ થઈ ગયા છે અને પંતે વોટ્સએપ પર ઉર્વશીને બ્લોક કરી દીધી હતી. આઈપીએલ-2021માં દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન નિમાયેલો પંત હાલ ઈશા નેગી નામની દેહરાદૂનની ઈન્ટિરીયર ડિઝાઈનરનાં પ્રેમમાં હોવાનું કહેવાય છે. ઉર્વશી ‘ઈન્સ્પેક્ટર અવિનાશ’ નામની થ્રિલર વેબસિરીઝમાં જોવા મળશે.