પ્રસિદ્ધ પીઢ બોલીવૂડ અભિનેત્રી શશીકલા (88)નું અવસાન

મુંબઈઃ હિન્દી ફિલ્મોનાં જાણીતાં ચરિત્ર અભિનેત્રી શશીકલાનું આજે અહીં દક્ષિણ મુંબઈના કોલાબા વિસ્તારસ્થિત નિવાસે નિધન થયું છે. એ 88 વર્ષનાં હતાં. વૃદ્ધાવસ્થાને લગતી સ્વાસ્થ્યની તકલીફોને કારણે એમણે અહીં અંતિમ શ્વાસ લીધો છે. શશીકલાએ સેંકડો હિન્દી ફિલ્મોમાં વૈવિધ્યપૂર્ણ ભૂમિકાઓ ભજવી હતી. એ હસમુખાં અને ઉત્સાહી કલાકાર તરીકે જાણીતાં રહ્યાં છે. એમનો જન્મ 1932ના ઓગસ્ટમાં મહારાષ્ટ્રના સોલાપુરમાં મહારાષ્ટ્રિયન પરિવારમાં થયો હતો. એમનું નામ હતું શશીકલા ઓમપ્રકાશ સૈગલ (જવળકર).

એમનાં અભિનય માટે અમુક જાણીતી ફિલ્મો છેઃ ‘તીન બત્તી ચાર રસ્તા’, ‘સુજાતા’, ‘આરતી’, ‘નૌ દો ગ્યારહ’, ‘કાનૂન’, ‘હરિયાલી ઔર રાસ્તા’, ‘વક્ત’, ‘દેવર’, ‘અનુપમા’, ‘નીલકમલ’ ,’હમજોલી’, ‘સરગમ’, ‘ક્રાંતિ’, ‘રોકી’, ‘કભી ખુશી કભી ગમ’, ‘મુજસે શાદી કરોગી’, વગેરે. એમણે ‘સોન પરી’, ‘જીના ઈસી કા નામ હૈ’ જેવી અમુક હિન્દી ટીવી સિરિયલોમાં પણ અભિનય કર્યો હતો.