અમે રામના દુશ્મનઃ એ. રાજાનું વિવાદિત નિવેદન

ચેન્નઈઃ સુપ્રીમ કોર્ટે DMK નેતા ઉદયનિધિ સ્ટાલિનને સનાતનવિરોધી નિવેદન મામલે ફટકાર લગાવી છે. તેમ છતાં DMKના નેતાઓના સનાતન ધર્મ પરનાં નિવેદનો અટકી નથી રહ્યાં. DMK નેતા એ રાજા ફરી એક વાર લાઇમલાઇટમાં છે. તેમણે ભારત અને સનાતન ધર્મને લઈને વિવાદિત નિવેદન આપ્યાં છે. એ. રાજાએ હાલમાં એક નિવેદનમાં કહ્યું હતું કે ભારત એક રાષ્ટ્ર છે નહીં. ભારત ક્યારેય એક રાષ્ટ્ર હતું જ નહીં. ભારત એક રાષ્ટ્ર નહીં બલકે એક ઉપ મહાદ્વીપ છે. તેમણે હિન્દુ માન્યતાઓની ટીકા કરીને વડા પ્રધાન મોદી પર નિશાન સાધ્યું હતું.

DMK નેતા એ રાજા વિડિયોમાં કહે છે કે જો તમે કહેશો કે આ તમારા ઇશ્વર છે અને ભારત માતાની જય તો અમે એ ઇશ્વર અને ભારત માતાનો ક્યારેય સ્વીકાર નહીં કરીએ. કહી દો, આ બધાને કે અમે રામના શત્રુ છીએ. તેમણે કહ્યું હતું કે મને રામાયણ અને ભગવાન રામ પર વિશ્વાસ નથી. તેમણે ભગવાન હનુમાનની તુલના બંદરથી કરતાં ‘જય શ્રીરામ’ના સૂત્રોચ્ચારને ઘૃણાસ્પદ બતાવ્યો હતો.

ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી એ રાજાએ વિવાદિત નિવેદન આપતાં કહ્યું હતું કે ભારત ક્યારેય એક રાષ્ટ્ર હતું જ નહીં, એક રાષ્ટ્રનો અર્થ, એક ભાષા, એક પરંપરા અને એક સંસ્કૃતિ, ત્યારે એક રાષ્ટ્ર હોત. ભારત એક રાષ્ટ્ર નહીં બલકે એક ઉપ મહાદ્વીપ છે. તેમણે એનું કારણ જણાવતાં કહ્યું હતું કે અહીં તમિળ એક રાષ્ટ્ર અને એક દેશ છે. મલયાલમ એક ભાષા, એક રાષ્ટ્ર અને એક દેશ છે. ઉડિયા એક ભાષા અને એક દેશ છએ.આ બધાં રાષ્ટ્ર મળીને ભારત બનાવે છે તો ભારત દેશ નહીં, આ એક મહાદ્વીપ છે. તેમણે કહ્યું હતું કે આપણા દેશમાં અનેકતામાં એકતા હોવા છતાં આપણી વચ્ચે મતભેદ છે, એનો સ્વીકાર કરો.

તેમનું નિવેદન એ સમયે સામે આવ્યું છે, જ્યારે સુપ્રીમ કોર્ટે તામિલનાડુના CM એમકે સ્ટાલિનના પુત્ર ઉદયનિધિ સ્ટાલિનને સનાતનવિરોધી નિવેદનો પર ફટકાર કરતાં કહ્યું હતું કે તેમને તેમના નિવેદનોનાં પરિણામ વિશે માલૂમ હોવું જોઈએ. કોર્ટે કહ્યું હતું કે અભિવ્યક્તિની સ્વતંત્રતાનો દુરુપયોગ કર્યો છે અને હવે તમે રાહત માગી રહ્યા છો. તમે સામાન્ય વ્યક્તિ નહીં પણ એક નેતા છો.