ચૂંટણી પંચ પત્રકાર પરિષદમાં ચૂંટણીની તારીખોનું એલાન કરશે?

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીની તારીખોનું એલાન ટૂંક સમયમાં થાય એવી શક્યતા છે. લોકસભાની ચૂંટણી 14-15 માર્ચની આસપાસ ઘોષણા થવાની સંભાવના છે. ચૂંટણી પંચ સતત લોકસભા ચૂંટણીની તૈયારીમાં લાગેલું છે અને એ અંતિમ તબક્કામાં છે. ચૂંટણી પંચના અધિકારી સામાન્ય ચૂંટણીની તૈયારી સમીક્ષા માટે અનેક રાજ્યોની મુલાકાત લઈ રહ્યા છે.

લોકસભા ચૂંટણીની તૈયારીને લઈને ચૂંટણી પંચ આજે પત્રકાર પરિષદ કરશે. જોકે એ સ્પષ્ટ નથી કે ચૂંટણી પંચ પત્રકાર પરિષદમાં લોકસભાની ચૂંટણીની તારીખોનું એલાન કરશે કે નહીં. જોકે ચૂંટણી પંચ સામાન્ય ચૂંટણીની જાહેરાત આગામી સપ્તાહે કોઈ પણ દિવસે તારીખોનું એલાન કરે એવી શક્યતા છે.પશ્ચિમ બંગાળમાં આગામી લોકસભાની ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવા માટે પંચના સભ્યોએ સોમવારે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની સાથે મુલાકાત કરી હતી. એ સાથે ચૂંટણી પંચની ટીમ ઉત્તર પ્રદેશ અને પછી જમ્મુ-કાશ્મીરની મુલાકાત પણ લેશે. બીજી બાજુ ભાજપ ને કોંગ્રેસ સહિત બધા રાજકીય પક્ષો લોકસભાની ચૂંટણીની તૈયારીમાં લાગેલા છે. કોંગ્રેસ વિરોધ પક્ષોના ગઠબંધનના સાથીઓ સાથે સીટ વહેંચણીને અંતિમ રૂપ આપવામાં લાગેલી છે. જોકે કોંગ્રેસે ઉમેદવારોની યાદી જારી નથી કરી.

બીજી બાજુ ભાજપ લોકસભા ચૂંટણી માટે 195 ઉમેદવારોની પહેલી યાદી જારી કરી ચૂકી છે. ભાજપની આ પહેલી યાદીમાં વડા પ્રધાન મોદી સહિત અનેક દિગ્ગજોનાં નામ છે.

ચૂંટણી પંચ મેમાં થનારી લોકસભાની ચૂંટણી પહેલાં સ્વતંત્ર અને નિષ્પક્ષ સંચાલન માટે AI ટેક્નિકનો ઉપયોગ કરે એવી શક્યતા છે. સોશિયલ મિડિયા અને ડિજિટલ પ્લેટફોર્મ પર ખોટી સૂચનાને દૂર કરવા માટે AI માટે એક વિભાગ બનાવે એવી શક્યતા છે.