PM મોદીનું મૌનવ્રત તોડવા ઇચ્છીએ છીએઃ કોંગ્રેસ

નવી દિલ્હીઃ લોકસભામાં મોદી સરકારની વિરુદ્ધ વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ પર દલીલો શરૂ થઈ ચૂકી છે. આ દલીલનો પ્રારંભ કરતાં કોંગ્રેસ નેતા ગૌરવ ગોગોઈએ કહ્યું હતું કે વડા પ્રધાન સંસદમાં ના બોલવાનું મૌનવ્રત લીધું છે. તેમનું મૌન તોડવા માટે અમારે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવો પડ્યો છે. અમારી પાસે તેમની માટે ત્રણ સવાલ છે- 1, તેઓ આજ સુધી મણિપુર કેમ નથી ગયા? 2, મણિપુર પર બોલવામાં 80 દિવસ કેમ લાગી ગયા? અને ત્રણ, તેમણે અત્યાર સુધી મણિપુરના મુખ્ય પ્રધાનને રાજીનામું કેમ નથી લીધું?

 તેમણે કહ્યું હતું કે વડા પ્રધાને એ વાતનો સ્વીકાર કરવો જોઈએ કે તેમની ડબલ એન્જિનની સરકાર મણિપુરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં નિષ્ફળ થઈ ગઈ છે. મણિપુરમાં 150 લોકોનાં મોત થયાં છે અને આશરે 5000 ઘર બાળી નાખવામાં આવ્યાં છે. આ અવિશ્વાસના પ્રસ્તાવના માધ્યમથી હું તેમનું મૌનવ્રત તોડવા ઇચ્છું છું. મણિપુર મુદ્દે અમે તેમનું નિવેદન ઇચ્છીએ છીએ.

 


જોકે લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષે હોબાળો મચાવ્યો હતો. લોકસભામાં મણિપુર હિંસા અંગે કેન્દ્રની મોદી સરકાર વિરુદ્ધ લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા ચાલી રહી છે. 2014 પછી આ બીજી વખત છે જ્યારે મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. આ ચર્ચા ત્રણ દિવસ સુધી ચાલશે. વડા પ્રધાન મોદી ચર્ચાના છેલ્લા દિવસે 10 ઓગસ્ટે પોતાનો જવાબ આપી શકે છે. મણિપુર હિંસા તેમ જ અન્ય મુદ્દાઓ પર બોલે એવી શક્યતા છે.

ગોગોઈ જણાવ્યું હતું કે ગુજરાતમાં ચૂંટણી અગાઉ બે વખત મુખ્ય મંત્રી બદલાયા હતા, ઉત્તરાખંડ અને ત્રિપુરામાં પણ મુખ્ય મંત્રી બદલાયા હતા. પરંતુ મણિપુરના મુખ્યમંત્રીને ખાસ આશીર્વાદ શા માટે?