‘ડોન’ની ત્રીજી આવૃત્તિ બનાવવા વિચારે છે ફરહાન અખ્તર

મુંબઈ: નિર્માતા ફરહાન અખ્તરે એમની લોકપ્રિય નીવડેલી એક્શન શ્રેણી ‘ડોન’ની ત્રીજી આવૃત્તિની ફિલ્મ બનાવવાનો સંકેત આપ્યો છે. એમણે શાહરૂખ ખાનને શિર્ષક ભૂમિકામાં ચમકાવતી બે ફિલ્મ ડાયરેક્ટ કરી હતી. હવે એમણે તેમના નવા પ્રોજેક્ટ અંગે સંકેત આપતી એક પોસ્ટ એમના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. એમણે ‘ડોન’ની થીમ પર તૈયાર કરાયેલી એક શોર્ટ ક્લિપ મૂકી છે જેની ટેગલાઈનમાં વંચાય છેઃ ‘એક નવા યુગનો આરંભ થાય છે.’

અખ્તરના દિગ્દર્શન હેઠળ પહેલી ‘ડોન’ ફિલ્મ 2006માં આવી હતી અને બીજો ભાગ 2011માં આવ્યો હતો. બંને ફિલ્મમાં શાહરૂખ ખાન અને પ્રિયંકા ચોપરાની જોડી હતી. ઓરિજિનલ ‘ડોન’ ફિલ્મ 1978માં આવી હતી જેમાં અમિતાભ બચ્ચન (ડબલ રોલમાં) અને ઝીનત અમાનની મુખ્ય જોડી હતી. તે ફિલ્મની પટકથા ફરહાનના પિતા જાવેદ અખ્તર અને સલીમ ખાને લખી હતી.

નિર્માતા રિતેશ સિધવાનીએ કહ્યું છે કે, ‘જ્યાં સુધી મારા ભાગીદાર (અખ્તર) લખવાનું પૂરું નહીં કરે, ત્યાં સુધી અમે કોઈ રીતે આગળ નહીં વધીએ. હાલને તબક્કે એ પટકથા પૂરી કરવાના પ્રથમ તબક્કામાં છે. અમે સહુ આતુર છીએ કે પટકથા પૂરી થાય અને ડોનની ત્રીજી આવૃત્તિ જોઈએ.’

એવા અહેવાલો છે કે ‘ડોન’ની ત્રીજી આવૃત્તિમાં શાહરૂખ ખાન અને પ્રિયંકા નહીં હોય. નવા હિરો તરીકે રણવીરસિંહનું નામ સંભળાય છે.