નવી દિલ્હીઃ વિશ્વ હિન્દુ પરિષદે (VHP)એ વિવિધ પડકારોના કાયમી ઉકેલ શોધવાના ઉદ્દેશથી સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ કરવાની તરફેણમાં ગઈ કાલે એક પ્રસ્તાવ પસાર કર્યો હતો. જોકે VHPએ આ ઉદ્દેશ માટે કોઈ પણ વિરોધ કરવાની ચેતવણી નથી ઉચ્ચારી, પણ કેન્દ્રને સમાજના બધા વર્ગોને ધ્યાનમાં રાખીને UCCને લાગુ કરવા માટે સર્વસંમતિ બનાવવાનું સૂચન કર્યું હતું.
VHPના કેન્દ્રીય મહામંડલેશ્વર દ્વારા હરિદ્વારમાં આયોજિત બેઠકમાં સ્વામી અવધેશાનંદ ગિરિ મહારાજે કહ્યું હતું કે દેશમાં વિવિધ સમસ્યાઓના સમાધાન માટે દરેક વર્ગ માટે એક કાનૂન લાગુ કરવો જરૂરી છે. જોકે જમાત ઉલમા-એ-હિન્દ અને ઓલ ઇન્ડિયા પર્સનલ લો બોર્ડ સહિત કેટલીક મુસ્લિમ સંસ્થાઓ UCCના અમલીકરણ બાબતે વિરોધ કરી રહી છે. સુપ્રીમ કોર્ટમાં હજી ઘણા કેસો UCCને લઈને પેન્ડિંગ છે. જોકે કેટલીક અરજીઓ દ્વારા દેશમાં UCC લાગુ કરવાની માગ કરવામાં આવી છે. બંધારણના આર્ટિકલ 44નો હવાલો આપતાં UCC લાગુ કરવાની માગ ઉઠાવવામાં આવી રહી છે.
#Free_Hindu_temples from "govt control" and #Bharat must have #Uniform_Civil_Code: #VHP passes resolution. 👍👍👍👍👍 pic.twitter.com/X0Xam54ECr
— SHANKAR BARADHWAJ (@shankar6763) June 13, 2022
કેન્દ્ર સરકારે એક અરજીના જવાબમાં કહ્યું હતું કે આ મામલો લો કમિશનના વિચારાધીન છે અને એનો રિપોર્ટ આવ્યા પછી સરકાર આ મુદ્દો હાથમાં લેશે. જોકે કેન્દ્રએ આ મામલે અત્યાર સુધી કોઈ નક્કર પગલાં ભર્યાં નથી. જોકે ઉત્તરાખંડ જેવાં રાજ્યોમાં આ માટેના કાયદા માટે એક ટીમની રચના કરવામાં આવી છે.
વિશ્વ હિન્દુ પરિષદની ઉચ્ચ સ્તરીય બેઠકમાં દેશભરમાં થઈ રહેલા જબરજસ્તી ધર્મપરિવર્તન પર પણ ચર્ચા થઈ હતી. આ બેઠકમાં એક સંતે કહ્યું હતું કે કેટલાક આદિવાસી વિસ્તારોમાં જબરજસ્તી ધર્માતંરણ કરાવવામાં આવી રહ્યું છે અને કડક પગલાં ભર્યા વિના આ પ્રકારના ધર્માંતરણને અટકાવવું મુશ્કેલ છે.