રાષ્ટ્રપતિપદ: પવારનું નામ ચર્ચામાં; ભાજપના-નિર્ણય પર લક્ષ

નવી દિલ્હીઃ નવા, 15મા રાષ્ટ્રપતિની ચૂંટણી માટે 18 જુલાઈએ મતદાન થવાનું છે અને 21મીએ મતગણતરી અને પરિણામ છે. આ ચૂંટણી માટે સંભવિત ઉમેદવારની પસંદગી માટે ભાજપ અને બિન-ભાજપ પક્ષોમાં ચર્ચા ચાલી રહી છે. એ દરમિયાન, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના પ્રમુખ શરદ પવારનું નામ ચર્ચામાં છે. પવાર દેશમાં રાજકીય અનુભવની દ્રષ્ટિએ મોટા નેતા છે.

ભૂતકાળમાં તેઓ કેન્દ્રીય પ્રધાન તરીકે કામ કરી ચૂક્યા છે. પવારને જો રાષ્ટ્રપતિપદ માટે ઉમેદવાર જાહેર કરાશે તો એમને ટેકો આપવાની જાહેરાત આમ આદમી પાર્ટી કરી ચૂકી છે. આગામી દિવસોમાં તૃણમુલ કોંગ્રેસનાં પ્રમુખ મમતા બેનરજીએ દિલ્હીમાં બિન-ભાજપ શાસિત રાજ્યોના નેતાઓની એક બેઠક બોલાવી છે. એમાં 22 નેતાઓને આમંત્રણ અપાયું છે. એ બેઠકમાં રાષ્ટ્રપતિપદની ચૂંટણી માટે પવારના નામ નિશ્ચિત કરાય એવી ધારણા છે. મહારાષ્ટ્રમાં, શિવસેના, એનસીપી અને કોંગ્રેસની સંયુક્ત સરકાર છે. રાષ્ટ્રપતિપદ માટે પવારના નામને કોંગ્રેસનો ટેકો આપવામાં આવશે એવી મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ નાના પટોલે જાહેરાત કરી ચૂક્યા છે.

બીજી બાજુ, લોકસભામાં સૌથી વધારે – 301 સભ્યો ધરાવનાર ભાજપના નિર્ણય પર બધો આધાર રહેશે. નરેન્દ્ર મોદી અને શરદ પવાર વચ્ચે આમ તો સારું બને છે, પરંતુ અમુક રાજકીય પ્રસંગ-બાબત વખતે મતભેદ જોવા મળ્યો છે. 301 સભ્યોવાળા ભાજપનો વિશ્વાસ મેળવવાનું પવાર માટે કઠિન છે. એ માટે એમણે પહેલા તો નરેન્દ્ર મોદીનો વિશ્વાસ જ પ્રાપ્ત કરવો પડશે.