નવી દિલ્હીઃ હરિયાણા વિધાનસભાની ચૂંટણી પાંચ ઓક્ટોબરે યોજાવાની છે. વિધાનસભા ચૂંટણી પહેલાં રાજ્યના રાજકારણમાં ગરમાટો આવ્યો છે. પહેલવાન વિનેશ ફોગાટ અને બજરંગ પૂનિયાએ દિલ્હી સ્થિત રાહુલ ગાંધીના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. રાજ્યમાં કોંગ્રેસના ઉમેદવારોની યાદી જાહેર થયા પહેલાં વિનેશ ફોગાટ અને બજરંગ પૂનિયાની રાહુલ ગાંધીને મળતાં તેમના ચૂંટણી લડવાની અટકળો તેજ થઈ હતી.
ભારતીય કુશ્તી સંઘ (WFI)ના પૂર્વ અધ્યક્ષ બૃજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ પહેલવાન વિનેશ ફોગાટ, બજરંગ પૂનિયા અને સાક્ષી મલિકે યૌન શોષણનો આરોપ લગાવતાં દિલ્હીના જંતર-મંતર પર પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન પહેલવાનોને ભાજપનો વધુ સાથ મળ્યો નહોતો, જે બાદ સતત વિનેશ ફોગાટ અને બજરંગ પૂનિયા ભાજપથી નારાજ હતા.
नेता विपक्ष श्री @RahulGandhi से विनेश फोगाट जी और बजरंग पुनिया जी ने मुलाकात की। pic.twitter.com/UK7HW6kLEL
— Congress (@INCIndia) September 4, 2024
પેરિસ ઓલિમ્પિક ગેમ્સમાં નિરાશા હાથ લાગ્યા બાદ જ્યારે પહેલવાન વિનેશ ફોગાટ દેશ પરત આવી તો હરિયાણા કોંગ્રેસના નેતા દીપેન્દ્રસિંહ હુડ્ડાએ ખુદ દિલ્હી એરપોર્ટ પર જઇને સ્વાગત કર્યું હતું. તે બાદ તેના ગામ સુધી રોડ-શોમાં પણ સાથ આપ્યો હતો. દિલ્હી એરપોર્ટથી લઇને બલાલી પહોંચવા સુધી વિનેશ ફોગાટ અને બજરંગ પૂનિયા સાથે દીપેન્દ્રસિંહ હુડ્ડા સહિત કેટલાક કોંગ્રેસી નેતા રહ્યા છે.
વિનેશ ફોગાટ અને બજરંગ પૂનિયાના કોંગ્રેસમાં સામેલ થવાની અટકળો ઘણા વખતથી લાગી રહી હતી, કોંગ્રેસ હરિયાણામાં પોતાના ઉમેદવારોનાં નામની જાહેરાત ટૂંક સમયમાં કરી શકે છે. ઉમેદવારોની યાદી જાહેર થયા પહેલાં પહેલવાનોની આ મુલાકાત આ વાતના સંકેત મજબૂત કરી રહી છે કે પહેલવાન ફોગાટ અને પૂનિયા હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઊતરી શકે છે.
ચૂંટણી કમિટીની બેઠક બાદ કોંગ્રેસ નેતાઓને એવો સવાલ કરવામાં આવ્યો કે શું વિનેશ ફોગાટ પણ પાર્ટીમાં જોડાશે તો એ વાતનો જવાબ ના આપીને કોંગ્રેસે એમ કહ્યું હતું કે એક-બે દિવસમાં તમામ નિર્ણય થઇ જશે. પાર્ટી નેતા દીપક બાબરિયાએ પણ ફોગાટના સામેલ થવાની અટકળોનું ખંડન કર્યું નહોતું.