ધારીએ કંઈ ને થાય કંઈ તે આનું નામ. ધારેલું કે ‘દે દે પ્યાર દે’નો રિવ્યુ લખીશ, પણ સમાચાર આવ્યા કે 98 વર્ષની વયે
કામિની કૌશલનું અવસાન એટલે રિવ્યુવાળી વાત ફરી ક્યારેક એમ વિચારી કામિની કૌશલ પર ધ્યાન કેન્દ્રિત કર્યું.
કામિની કૌશલ ફિલ્મમાં આવ્યાં ત્યારે મધુબાલા અને મીનાકુમારી અને નરગિસ અને ગીતા બાલી અને સુરૈયા, જેવી પ્રતિભાશાળી અભિનેત્રીઓની બોલબાલા હોવા છતાં એમણે પોતાનું સ્થાન કંડાર્યું.
મૂળ એ લાહોરનાં. 1927માં જન્મ. મૂળ નામ ઉમા કશ્યપ. પિતા રાય બહાદુર શિવરામ કશ્યપ બોટનીના પ્રોફેસર હતા. કામિની કૌશલ ઈન્ગ્લિશ લિટરેચર સાથે બી. એ. (ઑનર્સ) થયેલાં. અભ્યાસ ઉપરાંત એ સ્પોર્ટ્સમાં પણ અવ્વલઃ સ્વિમિંગ-સ્કેટિંગ-હોર્સરાઈડિંગ કરતાં, આકાશવાણી પર રેડિયો નાટક કરતાં, જે સાંભળીને આઝાદી મળી એના એક વર્ષ પહેલાં, ૧૯૪૬માં નિર્માતા-દિગ્દર્શક ચેતન આનંદે ‘નીચા નગર’માં એમને તક આપી. જો કે રૂપેરી પરદા પર એમની એન્ટ્રીએ એવી કાંઈ ધૂમધામ મચાવી નહોતી. ફિલ્મ ફ્રાન્સના પ્રખ્યાત કાન ફેસ્ટિવલમાં ગઈ, ગોલ્ડન પામ એવોર્ડથી સમ્માનિત થઈ, પણ ઘરઆંગણે કોઈ એ જોવા ગયું નહોતું.

ત્યાર બાદ 1948માં આવેલી ‘શહીદે’ એમને સ્ટાર બનાવ્યાં. યસ, ‘શહીદ’ સુપરહિટ થઈ. ફિલ્મના હીરો દિલીપકુમારની કામિની કૌશલ સાથે જોડી જામી. એ વખતે જોડીની બોલબાલા હતી. જેમ કે, રાજ કપૂર-નરગિસ, દેવ આનંદ-સુરૈયા, એમ દિલીપ-કામિની કૌશલ. પછી તો પરદા પરનો પ્રેમ વાસ્તવમાં આવ્યો. ફિલ્મઈતિહાસકાર સ્વ. શિરીષ નાડકર્ણી નોંધે છે એમ, પરદા પાછળના એમના પ્રેમપ્રકરણના લીધે કદાચ એ પ્રેક્ષકોની નજરમાં વસ્યાં હશે એ શક્યતા નકારી શકાય તેમ નહીં.
‘શહીદ’ પછી ‘આરઝૂ’, નદિયા કે પાર’, ‘શબનમ’– આ ત્રણ ફિલ્મોમાં કામિનીએ દિલીપકુમાર સાથે કામ કર્યું. અલબત્ત, ફિલ્મ દિલીપકુમાર સાથે ઝાઝી ફિલ્મો ન હોવા છતાં રૂપેરી પરદા પર લોકપ્રિય થયેલી પ્રેમી જોડીમાં ચોક્કસ સમાવેશ થાય એટલો સુસંવાદ એમણે સાધ્યો હતો. જો કે કામિની કૌશલ છેવટ સુધી પરિવારને સમર્પિત રહ્યાં.
અરસા બાદ કામિની કૌશલ-દિલીપ કુમારનો સામનો 2013માં થયો. પ્રસિદ્ધ અભિનેતા પ્રાણનું અવસાન થયું ત્યારે દિલીપ કુમાર પણ સાયરાબાનો સાથે ગયા, જ્યાં કામિની હાજર હતાં. દિલીપ કુમાર એમને ઓળખી જ ન શક્યા. ઓક્કે, એ વખતે દિલીપ કુમાર લગભગ ૯૦ વર્ષના હતાં, જ્યારે કામિની કૌશલ ૮૬નાં. એક ઈન્ટરવ્યુમાં એમણે કહ્યું કે “દિલીપ સાહેબે મને બ્લેન્ક લૂક આપ્યો ત્યારે મારું દિલ તૂટી ગયું. જો કે હવે એ કોઈને ઓળખી શકતા નહોતા. એમને આવી હાલતમાં જોઈને મને બહુ દુઃખ થયું. હું ત્યાંથી નીકળી ગઈ.”
-અને હા, આ પહેલાં પંકજ પરાશર દિગ્દર્શિત ‘દેખો દેખો… યે હૈ જલવા’વાળી ‘જલવા’માં એ નસીરુદ્દીન શાહનાં માતા બનેલાં. ફિલ્મમાં એક ઠેકાણે એ પુત્રને કહે છે કે, ‘યુવાનીમાં દિલીપકુમાર મને બહુ ગમતાં’!

દેવ આનંદ સાથે ‘જિદ્દી’થી લઈને રાજ કપૂર સાથે ‘આગ’ જેવી ફિલ્મોમાં કામ કરનાર કામિની કૌશલની અન્ય યાદગાર ફિલ્મોઃ ‘આસ’, ‘બિરાજ બહૂ’ (આ ફિલ્મ માટે એમને ફિલ્મફેર એવોર્ડ મળેલો), ‘રાજરતન’, ‘જેલર’, ‘બડા ભાઈ’, ‘આગ’, ‘આબરૂ’, ‘દો ભાઈ’ (ઉલ્લાસ), ‘નજરાના’, ‘ગોદાન’ વગેરે. ‘ઝાંઝર’માં ઉષાકિરણની લાડકી, નાની બહેન તરીકે કામિની કૌશલ હતાં. બ્લેક એન્ડ વ્હાઈટ ટેલિવિઝન પર જોયેલી આ ફિલ્મના એક ગીતના શબ્દો આજેય યાદ છેઃ “મૌસમ હૈ ઠંડા, આઓ ખેલે ગિલ્લીદંડા…” ‘ગ્રેટ શો ઑફ ઈન્ડિયા’માં એ સરકસનાં માલિકણ હતાં ને આખી ફિલ્મમાં ગળામાં વાંદરું લટકાવીને ફરતાં.
મનોજકુમારવાળા ‘શહીદ’માં અને ‘ઉપકાર’માં એ મા તરીકે આવ્યાં. તે પછી થોડી ફિલ્મોમાં કેરેક્ટર આર્ટિસ્ટ તરીકે. છેલ્લે ચેન્નઈ એક્સપ્રેસ, કબીરસિંહ અને લાલસિંહ ચઢ્ઢા જેવી ફિલ્મમાં નાની-મોટી ભૂમિકામાં દેખાયાં હતાં.

કામિની કૌશલે ‘કે. આર્ટ્સ’ નામની ફિલ્મપ્રોડક્શન કંપની પણ સ્થાપેલી. એના નેજા હેઠળ ‘પૂનમ’ અને ‘ચાલીસ બાબા એક ચોર’ બનાવી. ‘પૂનમ’માં અશોકકુમા૨ અને સજ્જન અને સાત ગીત હતાં. લતા મંગેશકરના કંઠે ગવાયેલાં આ બધાં ગીતો કામિનીએ પોતાની ૫૨ શૂટ કરેલાં. ‘પૂનમ’ હિટ થઈ. ફિલ્મો ઉપરાંત એમણે દૂરદર્શન પર બાળકો માટે ‘ચાંદ સિતારે’ તથા અન્ય સિરિયલ્સના નિર્માણ કર્યાં, અભિનય કર્યો.
કામિની કૌશલના બ્રહમ સૂદ સાથે લગ્નથી એમને ત્રણ પુત્ર થયાઃ રાહુલ, વિદૂર અને શ્રવણ. મોટી બહેનની બે દીકરીમાંનાં કુમકુમ સોમાણીએ બાળકો માટે પુસ્તક લખ્યાં છે, જ્યારે કવિતા સાહની આર્ટિસ્ટ છે.




