મુંબઈઃ પડોશના પાલઘર જિલ્લાના વસઈ શહેરના પશ્ચિમ વિસ્તારમાં પંચવટી હોટેલ પાસે ગયા બુધવારે ટાટા મોટર્સની નેક્સન ઈલેક્ટ્રિક વેહિકલ કાર આગમાં સળગી જવાની ઘટનામાં તપાસ કરવાનો કેન્દ્ર સરકારે આદેશ આપ્યો છે. કંપનીએ પોતાની રીતે પણ એ ઘટનામાં તપાસ શરૂ કરી દીધી છે.
ભારતમાં ઈલેક્ટ્રિક ટુ-વ્હીલરમાં આગ લાગવાની ઘટનાઓમાં તપાસ કરવાની કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ-હાઈવેઝ મંત્રાલયે જેને કામગીરી સોંપી છે તે ડીફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ) જ નેક્સન EV કારમાં આગની ઘટનાની પણ તપાસ કરશે. ટાટા મોટર્સે કહ્યું છે કે તેની નેક્સન ઈલેક્ટ્રિક-કારમાં આગનો આ પહેલો જ બનાવ છે. આ કાર દેશમાં હાલ સૌથી વધારે વેચાય છે. કંપની દર મહિને 2,500-3,00 જેટલી નેક્સન ઈવી કાર વેચે છે અને ચાર વર્ષમાં એ 30,000થી વધારે આ કાર વેચી ચૂકી છે. આ કાર દેશભરમાં છેલ્લા ચાર વર્ષમાં 10 કરોડથી વધારે કિલોમીટરનો પ્રવાસ કરી ચૂકી છે.
