સુપ્રીમ કોર્ટની PM મોદીને ક્લીનચિટ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે વર્ષ 2002માં ગુજરાતનાં તોફાનોમાં રાજ્યના એ વખતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને ક્લીનચિટ આપતા SITના રિપોર્ટની સામે દાખલ થયેલી અરજીને ફગાવી દીધી હતી. કોર્ટે 2002નાં રમખાણોની પાછળ મોટા કાવતરાની તપાસ માટે દિવંગત કોંગ્રેસના નેતા ઝાકિયા જાફરીની અરજી કાઢી નાખી હતી. આ ચુકાદો આપતાં કોર્ટે કહ્યું હતું કે ઝાકિયાની અપીલમાં કોઈ વજૂદ નથી.

સુપ્રીમે આ કેસમાં 9 ડિસેમ્બર, 2021એ મેરોથોન સુનાવણી પછી ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. વર્ષ 2002નાં ગુજરાતનાં રમખાણો દરમ્યાન કોંગ્રેસના વિધાનસભ્ય અહેસાન જાફરીનાં વિધવા ઝાકિયા જાફરીએ SITના રિપોર્ટને પડકારતાં સુપ્રીમ કોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં હતા.

તોફાનોની તપાસ માટે રચવામાં આવેલી SITએ ઝાકિયા જાફરીના મોટા કાવતરાના આરોપોને નકાર્યા હતા. SITએ કોર્ટમાં કહ્યું હતું કે આ મામલે FIR અથવા ચાર્જશીટ નોંધવા માટે કોઈ નક્કર આધાર નથી મળ્યો. જાકિયાની ફરિયાદ પર ઊંડી તપાસ કરવામાં આવી, પણ કોઈ સામગ્રી નથી મળી. અહીં સુધીની સ્ટિંગની સામગ્રીને પણ કોર્ટે ફગાવી દીધી હતી.  

સુપ્રીમ કોર્ટેમાં આ મામલો જસ્ટિસ એએમ ખાનવિલકર, જસ્ટિસ દિનેશ માહેશ્વરી અને જસ્ટિસ સીટી રવિકુમારની બેન્ચે સાંભળ્યો હતો. અરજદાર તરફથી સીનિયર એડવોકેટ કપિલ સિબ્બલ, SIT તરફથી સિનિયર એડવોકેટ મુકુલ રોહતગી અને ગુજરાત તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી હતી.

SITના વકીલ મુકુલ રોહતગીએ કહ્યું હતું કે કોઈને પણ બચાવવામાં આવ્યા નથી અને સમગ્ર તપાસ ઊંડાણપૂર્વક થઈ છે. કુલ 275 લોકોની પૂછપરછ થઈ છે. કોઈ પણ એવો પુરાવો મળ્યો નથી, જેના પરથી ષડયંત્ર સાબિત થાય.

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]