સરહદ પાસે BRO કેફે સ્થાપિત કરવાની સરકારની મંજૂરી

શ્રીનગરઃ કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં પર્યટકોને પ્રોત્સાહન આપવા માટે એક નવી પહેલ શરૂ કરી છે. સરકારની આ નવી પહેલનો લાભ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ આવતા પ્રવાસીઓ ઉઠાવી શકશે. સંરક્ષણ મંત્રાલય દ્વારા દેશભરમાં એવાં 75 સ્થાનો પર BRO કાફે સ્થાપિત કરવાની મંજૂરી આપવામાં આવી છે. એની સાથે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં 26 BRO કાફે ખોલવામાં આવશે.

સંરક્ષણ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે સંરક્ષણ મંત્રાલયે સીમા સડક સંગઠન (BRO)ની સાથે 12 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 75 સ્થાનો પર વેસાઇડ એમિનિટીઝની સ્થાપનાને મંજૂરી આપી છે. એનો ઉદ્દેશ પર્યટકોને પાયાની સુવિધાઓ આપવાનો છે. એનાથી સ્થાનિક લોકોને રોજગાર મળી રહેશે. એની સાથે સરહદી ક્ષેત્રોમાં આર્થિક કામકાજને પ્રોત્સાહન મળશે. આ BRO કાફેને બ્રાન્ડેડ બનાવવામાં આવશે, જ્યાં પર્યટકોને પાયાની સુવિધાઓ ઉપલબ્ધ થશે.આ વેસાઇડ એમિનિટીઝને લાઇસન્સને આધારે એજન્સીઓની સાથે પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) પદ્ધતિએ વિકસિત અને સંચાલિત કરવામાં આવશે. આ BROને દિશા-નિર્દેશો અનુસાર ડિઝાઇન, વિકસિત અને સંચાલિત કરવામાં આવશે.

સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ પહેલથી હવે પર્યટકોને અનેક સુવિધાઓ મળશે. BRO કેફેમાં પર્યટકોને ટૂ અને ફોર વ્હીલર વાહનો માટે પાર્કિંગ, ફૂડ પ્લાઝા, રેસ્ટોરાં, પુરુષો, મહિલાઓ અને વિકલાંગો માટે અલગ ટોઇલટ, પ્રાથમિક આરોગ્યની સુવિધા, MI રૂમ વગેરે જેવી સુવિધાઓ આપવાનો પ્રસ્તાવ છે. એના માટે લાઇસન્સધારકોની પસંદગી હરીફાઈ પ્રક્રિયાના માધ્યમથી કરવામાં આવશે.