લાલ કિલ્લા ખાતે ધ્વજવંદનઃ આ વખતે બાળકોને નહીં બોલાવાય

નવી દિલ્હીઃ આ વર્ષે 15 ઓગસ્ટે સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે અહીંના ઐતિહાસિક લાલ કિલ્લા ખાતે ઉજવણી સમારોહનું આયોજન દર વર્ષ કરતાં જુદું હશે. આ વર્ષે વડા પ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પરથી સંબોધન તો કરશે, પણ કેટલાક ફેરફાર જોવા મળશે, એનું કારણ છે કોરોના સંકટ. આ વખતના સમારોહમાં માત્ર કોરોના વોરિયર્સ અને મોટા અધિકારીઓને જ આમંત્રિત કરવામાં આવશે. શાળાનાં બાળકોને બોલાવવામાં નહીં આવે. વીવીઆઈપી વ્યક્તિઓની યાદી પણ ટૂંકી હશે. આ વર્ષે રાજ્યોને પણ મોટાં સરઘસોથી બચવા માટેના નિર્દેશ આપવામાં આવ્યા છે અને વધુ ને વધુ લોકોને ટેક્નોલોજીનો ઉપયોગ કરવા માટે કહેવામાં આવ્યું છે.

મહત્ત્વપૂર્ણ ફેરફાર

આ સમારોહથી થીમ અતુલ્ય ભારત હશે અને આયોજનમાં કોરોના વોરિયર્સના યોગદાન પર ફોકસ હશે. આ સમારોહ દરમ્યાન પ્રધાન અને સચિવ સ્તરે આશરે 800 અધિકારી ઉપરની હરોળમાં બેસતા હતા, પણ આ વર્ષે ઉપરની હરોળમાં માત્ર 100 અધિકારી જ બેસશે. બાકીના 700 નીચેની હરોળમાં બેસશે. આ ઉપરાંત પહેલાં સમારોહ સંયુક્ત સચિવ અને ડેપ્યુટી સ્તરના અધિકારીઓને આમંત્રિત કરવામાં આવતા હતા, પણ આ વખતે માત્ર સંયુક્ત સચિવ સ્તરના અધિકારીઓને જ બોલાવવાની મંજૂરી છે. આ સિવાય આ વર્ષે કયા ફેરફાર જોવા મળશે, આવો, જાણીએ…

 

  1. કોરોના સંકટને જોતાં લાલ કિલ્લાની તમામ જગ્યાએ કોટિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં લાલ કિલ્લાના મંચથી માંડીને રેલિંગ પણ સામેલ છે. આ કોટિંગ કોરોના વાઇરસને 5-7 દિવસ સુધી એને ટકવા નહીં દે.
  2. આ વર્ષે એક મોટો ફેરફાર એ પણ છે કે આ વર્ષે લાલ કિલ્લા પર થનારા ઉત્સવમાં બાળકોને સામેલ નહીં કરાય. આ પગલું તેમની સુરક્ષા માટે લેવામાં આવ્યું છે.
  3. આ વર્ષે 1500 કોરોના વોરિયર્સને આ સમારોહમાં સામેલ કરવામાં આવશે અને એમાં પોલીસ અને પેરામિલિટરી ફોર્સિસના જવાન હશે.
  4. આ વર્ષે સેના અથવા પોલીસનું બેન્ક હાજર નહીં હોય, એનો રેકોર્ડેડ પ્રોગ્રામ ચલાવવામાં આવશે.
  5. આ વર્ષે આયોજનમાં સામેલ થનાર દરેખ શખસ માટે આરોગ્ય સેતુ એપ અને માસ્ક જરૂરી હશે.
  6. આ કાર્યક્રમમાં જે જવાન ગાર્ડ ઓફ ઓનર આપશો, તેમને પહેલેથી જ ક્વોરોન્ટાઇન કરી દેવામાં આવશે.
  7. લાલ કિલ્લા પર દર વર્ષે આશરે 1000 VIP બોલાવવામાં આવે છે, જેને આ વખતે 150 સુધી સીમિત કરી દેવામાં આવ્યા છે.
  8. આ ઉપરાંત સમારોહ સ્થળની પાસે કોવિડ-સેન્ટર બનાવવામાં આવશે. આ ટેન્ટમાં તૈયાર હેલ્થ સેન્ટર્સમાં બેથી ત્રણ બેડ હશે. આ વ્યવસ્થા ઇમર્જન્સી સારવાર માટે કરવામાં આવી છે.