વિપક્ષ સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ લાવશે અવિશ્વાસ પ્રસ્તાવ

નવી દિલ્હીઃ સંસદના બજેટ સત્ર દરમિયાન સતત હંગામો ચાલી રહ્યો છે. લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી વારંવાર સ્થગિત કરવી પડી રહી છે. એ દરમ્યાન વિપક્ષ લોકસભાના સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવે એવી શક્યતા છે. જોકે વિપક્ષ પાસે એટલું સંખ્યાબળ નથી કે તે આવા પ્રસ્તાવને પસાર કરાવી શકે.

આ પહેલાં આજે રાજ્યસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના કાર્યાલયમાં વિપક્ષની મહત્વપૂર્ણ બેઠક મળી હતી. લોકસભામાં વિપક્ષના નેતા અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ આ બેઠકમાં હાજર હતા. આ બેઠકમાં ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની બાબતે વિચારણા કરવામાં આવી હતી, એમ સૂત્રોએ જણાવ્યું હતું.આ બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ. બંને ગૃહોમાં કયા મુદ્દાઓને જોરશોરથી ઉઠાવવા તે અંગે વ્યૂહરચના બનાવવામાં આવી હતી. આજે સવારે જ્યારે વિપક્ષના સાંસદો સંસદ પહોંચ્યા ત્યારે તેઓ સંસદના મકર દ્વાર પર પ્રદર્શન કરવા બેસી ગયા હતા. તેઓ સાથે અનેક પોસ્ટર લઈને આવ્યા હતા, જેમાં લખ્યું હતું કે તમે અમને સસ્પેન્ડ કરી શકો છો, પરંતુ ચૂપ નહીં કરાવી શકો.

વિપક્ષ દ્વારા લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાના પ્રશ્ન પર વાત કરતાં JDUના કાર્યકારી અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ સંજય ઝાએ વિપક્ષ- ખાસ કરીને વિપક્ષના નેતાના વલણ પર સવાલ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે ગૃહ ચલાવવાનું કામ સ્પીકરનું છે અને સ્પીકર અનેક વખત કહી ચૂક્યા છે કે જે પુસ્તક છપાયું નથી તેનો તમે ઉલ્લેખ કરી શકતા નથી. સંજય ઝાએ જણાવ્યું કે ચર્ચાની મંજૂરી ન આપવાના મુદ્દે પણ એ જ મુદ્દો ઉઠાવીને ચેરની સત્તાને પડકારવામાં આવી રહી છે. તેમણે કહ્યું હતું કે વિપક્ષ શું લાવે છે તેનાથી કોઈ ફરક નહીં પડે.