દેશમુખ સામે ગંભીર-આરોપ; CM નિર્ણય લેઃ પવાર

નવી દિલ્હીઃ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારે આજે અહીં પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે એમની પાર્ટીના નેતા અને મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખ સામે મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે ખંડણીની ગેરપ્રવૃત્તિઓ કરવાનો મૂકેલો આરોપ ગંભીર છે. પરમબીરસિંહ મને પણ મળ્યા હતા અને કહ્યું હતું કે હોમ ગાર્ડ્સ વિભાગમાં એમની કરાયેલી બદલી એમને અન્યાય બરોબર છે. હવે ઉચિત નિર્ણય રાજ્યના મુખ્ય પ્રધાન (ઉદ્ધવ ઠાકરે)એ લેવાનો છે. એ તેમનો વિશેષાધિકાર છે. અમે આ વિશે ચર્ચા કરીશું. દેશમુખના રાજીનામાના મુદ્દે પણ ચર્ચા કરીશું.

ઉલ્લેખનીય છે કે, પરમબીરસિંહે ગઈ કાલે ઉદ્ધવ ઠાકરે, રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર અને રાજ્યના ગવર્નર ભગતસિંહ કોશ્યારીને લખેલો પત્ર જાહેર કર્યો હતો જેમાં તેમણે એવો આરોપ મુક્યો છે કે પોતે જ્યારે પોલીસ કમિશનર પદે હતા ત્યારે એમના એક પોલીસ અધિકારી સચીન વાઝેને ખંડણી ઉઘરાવવાનું ગેરકાયદેસર કામ દેશમુખે સોંપ્યું હતું. દેશમુખે વાઝેને કહ્યું કે તેમણે મુંબઈના બીયર બાર, પબ્સ, અને રેસ્ટોરન્ટ્સના માલિકો પાસેથી દર મહિને રૂ. 100 કરોડની ખંડણી ઉઘરાવવી.