મોદીની સુરક્ષા માટે કડક-બંદોબસ્ત રાખીશું: બાંગ્લાદેશી વિદેશપ્રધાન

ઢાકાઃ બાંગ્લાદેશના વિદેશ પ્રધાન એ.કે. અબ્દુલ મોમીને કહ્યું છે કે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ અઠવાડિયાના અંતભાગમાં ઢાકા આવી રહ્યા છે ત્યારે એમને માટે સુરક્ષાનો અત્યંત કડક બંદોબસ્ત રાખવામાં આવશે. એ માટેની તૈયારી કરવામાં આવી છે. અમારો લોકતાંત્રિક દેશ છે અને અહીં જુદા જુદા મંતવ્યો મળે. પરંતુ, વડા પ્રધાન મોદીની સુરક્ષાના મામલે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાનું કારણ નથી. અમે એમને મહત્તમ સુરક્ષા બંદોબસ્ત પૂરો પાડીશું. ભારતના વડા પ્રધાન ઢાકા આવી રહ્યા છે એ અમારે માટે આનંદની વાત છે. પશ્ચિમ બંગાળમાં (વિધાનસભાની ચૂંટણી બાદ) શું બનશે એની સાથે અમારે કોઈ લેવાદેવા નથી. અમારા દેશના રૂઢિચુસ્તોએ મોદીની મુલાકાતનો વિરોધ કર્યો છે, પણ અમારી સરકારને એની કોઈ ચિંતા કે પરવા નથી.

પીએમ મોદી આવતા શુક્રવાર અને અને શનિવારે બાંગ્લાદેશ જવાના છે અને બાંગ્લાદેશના સર્જક શેખ મુજીબુર રેહમાનની જન્મજયંતિ તેમજ બાંગ્લાદેશની આઝાદીની સુવર્ણજયંતીના ઉજવણી સમારંભમાં ભાગ લેશે. મોદી ઢાકામાં સતખીરા અને ગોપાલગંજ, એમ બે સ્થળે મંદિરમાં દર્શન કરવા પણ જવાના છે.