ઢાકાઃ બંગલાદેશંમાં ફરી એક વાર હિન્દુ મંદિરો પર હુમલો થયો છે. બંગલાદેશની રાજધાની ઢાકામાં ઇસ્કોન રાધાકાંતા મંદિર પર ગુરુવારે સાંજે ભીડે હુમલો કર્યો હતો. આ હુમલામાં તોડફોડ કરી હતી અને ભીડે કીમતી ચીજવસ્તુઓની લૂંટ કરી હતી. આ હુમલામાં કેટલાય લોકો જખમી થયા હતા. બંગલાદેશના ઇસ્કોન મંદિર પર હાજી સૈફુલ્લા અને એના આશરે 200 સાથી મુસ્લિમોએ હુમલો કર્યો હતો અને તોડફોડ કરી હતી.
પ્રાપ્ત અહેવાલો અનુસાર ઢાકાના વારીમાં 222 લાલ મોહન સાહા સ્ટ્રીટમાં સ્થિત ઇસ્કોન રાધાકાંત મંદિરમાં સાંજે સાત કલાકે આ હુમલો થયો હતો. આ હુમલામાં સુમંત્રા ચંદ્ર શ્રવણ, નિહાર હલ્દાર, રાજીવ ભદ્ર અને અન્ય કેટલાય લોકો પણ ઇજાગ્રસ્ત થયા હતા.
આ પહેલાં બંગલાદેશમાં ગયા વર્ષે નવરાત્રિ પર હિન્દુઓની સામે અફવા ફેલાવીને દુર્ગા પૂજા પંડાલો પર હુમલા કરવામાં આવ્યા હતા. આટલું જ નહીં, હિન્દુઓનાં ઘરો પર હુમલા કરવામાં આવ્યા હતા. ઢાકાસ્થિત ઇસ્કોન મંદિર પર પણ હુમલો કરવામાં આવ્યો હતો.
બંગલાદેશમાં હિન્દુઓ પર નવ વર્ષમાં 3600થી વધુ હુમલા
બંગલાદેશમાં અલ્પસંખ્યક અધિકારો પર કામ કરી રહેલી સંસ્થા AKSના અનુસાર છેલ્લાં નવ વર્ષમાં બંગલાદેશમાં અલ્પસંખ્યકોને 3679 વાર હુમલાઓનો સામનો કરવો પડ્યો હતો. આ દરમ્યાન 1678 ધાર્મિક સ્થળોમાં તોડફોડ અને હથિયારબંધ હુમલાઓ થયા હતા. આ સિવાય ઘરો-મકાનોમાં તોડફોડ અને આગ લગાડવા સહિત હિન્દુ સમુદાયને નિસાન બનાવીને સતત હુમલા કરવામાં આવ્યા હતા.