દેશમાં ધુળેટીની ધૂમઃ રાષ્ટ્રપતિ, PM મોદીએ શુભેચ્છાઓ પાઠવી

નવી દિલ્હીઃ દેશભરમાં રંગોના તહેવાર ધુળેટીને ઉત્સાહપૂર્વક ઊજવવામાં આવી રહ્યો છે. દેશના દરેક શહેરમાં અલગ-અલગ અંદાજ અને પારંપરિક રિવાજોમાં લોકો આ તહેવારને ઊજવતા નજરે ચઢી રહ્યા છે. કેટલીક જગ્યાએ હોળીનાં ગીતોની વચ્ચે લોકો ઝૂમી રહ્યા છે તો ક્યાંક ફૂલોની સાથે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત તમામ નેતાઓએ દેશવાસીઓને હોળી-ધુળેટીની શુભકામનાઓ આપી હતી.

વડા પ્રધાન મોદીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે તમને બધાને હોળીની હાર્દિક શુભકામનાઓ. આપસી પ્રેમ, સ્નેહ અને ભાઈચારાનું પ્રતીક રંગોત્સવ તમારા બધાના જીવનમાં ખુશીઓનો દરેક રંગ લઈને આવે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ હોળીની પૂર્વસંધ્યાએ દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી હતી. તેમણે દેશ-વિદેશમાં રહેતા બધા ભારતીયોને શુભકામનાઓ આપી હતી.

સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે હોળીની દેશવાસીઓને શુભકામનાઓ આપતાં એને દિલોને જોડનારો તહેવાર જણાવ્યો હતો. ગૃહપ્રધાન અમિત શાહે રંગોના આ તહેવારના પ્રસંગે લોકોને શુભકામનાઓ આપતાં લોકોના જીવનમાં સુખ-શાંતિની કામના કરી હતી. તેમણે ટ્વીટ કરતાં કહ્યું હતું કે બધાને હોળીની શુભકામનાઓ.

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે હોળી પર લોકોને શુભકામનાઓ આપતાં કહ્યું હતું કે બધા દેશવાસીઓને રંગ, ઉમંગ અને સદભાવનાના પાવન પ્રસંગે હોળીની હાર્દિક શુભકામનાઓ આપી હતી.  આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયાએપણ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે કહ્યું હતું કે દરેક દેશવાસીઓ રાષ્ટ્રનિર્માણની ભાવનાથી પ્રેરિત થઈને આગળ વધે, ઇશ્વરને એવી પ્રાર્થના કરું છું.