ઇસ્લામાબાદઃ પાકિસ્તાની રાજધાની ઇસ્લામાબાદમાં ચાલી રહેલી શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ના શિખર સંમેલનમાં વિદેશ મંત્રી એસ. જયશંકરે પાકિસ્તાન અને ચીનને આકરો સંદેશ આપ્યો છે. તેમણે બંને દેશો સ્પષ્ટ રીતે કહ્યું હતું કે આતંકવાદ અને વિકાસ સાથે-સાથે ના થઈ શકે. તેમણે ચીન-પાકિસ્તાનના આર્થિક કોરિડોરના પ્રોજેક્ટ (CPEC)ને ભારતીય અખંડિતતાનું ઉલ્લંઘન ગણાવ્યું હતું. પાકિસ્તાનના અધિકૃત કાશ્મીરમાંથી પસાર થતા આ પ્રોજેક્ટને ભારત માટે ચિંતાનો વિષય જણાવ્યો હતો.
ચીનનું નામ લીધા વિના તેમણે કહ્યું હતું કે SCO સભ્ય દેશોએ સરહદોનું સન્માન કરવાની જરૂર છે. કોરોના મહામારી તેમ જ ઈઝરાયલ-હમાસ-હિઝબુલ્લાહ અને રશિયા-યુક્રેન સંઘર્ષનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે આ બેઠક ખૂબ જ મુશ્કેલ સમયમાં થઈ રહી છે. ક્લાઈમેટ ચેન્જથી લઈને સપ્લાય ચેન સુધીની ઘણી સમસ્યાઓ છે. જેના કારણે વિકાસ પર અસર પડી રહી છે.
SCO સામે ત્રણ પડકારો છે – આતંકવાદ, ઉગ્રવાદ અને અલગતાવાદ. આને દૂર કર્યા વિના, સંસ્થા તેના ઉદ્દેશોને પ્રાપ્ત કરી શકશે નહીં. સંસ્થાના વિકાસ માટે, સભ્ય દેશોએ એકબીજા પર વિશ્વાસ અને પ્રામાણિક રહેવાની જરૂર છે, એમ તેમણે કહ્યું હતું. SCO ની બેઠક પૂરી થયા પછી વિદેશ મંત્રી જયશંકર સાંજે ચાર વાગ્યે પાકિસ્તાનથી ભારત જવા રવાના થશે.આ પહેલા PM શાહબાઝ શરીફે SCO નેતાઓ માટે ડિનરનું આયોજન કર્યું હતું. અહીં PM શાહબાઝ અને જયશંકરની મુલાકાત થઈ હતી. પાકિસ્તાની PM એ હાથ મિલાવ્યા હતા, પણ ગયા વર્ષે ગોવામાં SCOની બેઠકમાં જયશંકરે તત્કાલીન પાકિસ્તાનના વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટોનું અભિવાદન કર્યું હતું અને હાથ મિલાવવાનું ટાળ્યું હતું.