નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારના ત્રણ પ્રધાનો – કૃષિ પ્રધાન નરેન્દ્ર તોમર, રેલવે પ્રધાન પીયૂષ ગોયલ અને કૃષિ રાજ્યકક્ષાના પ્રધાન સોમ પ્રકાશ તથા આંદોલનકારી ખેડૂત સંગઠનના આગેવાનો વચ્ચે આજે બપોરે અહીં વિજ્ઞાન ભવન ખાતે યોજાઈ ગયેલી મંત્રણાનો સાતમો દોર પણ કોઈ પરિણામ-ઉકેલ લાવ્યા વગર પૂરો થઈ ગયો છે. આમ, 3 કૃષિ કાયદાઓને રદ કરવાની માગણી સાથે છેલ્લા 40 દિવસોથી દિલ્હીના સીમાંત વિસ્તારોમાં ચાલતું ખેડૂતોનું ધરણા આંદોલન ચાલુ જ રહેશે અને મડાગાંઠ પણ ચાલુ રહી છે. સરકાર અને ખેડૂત સંગઠન પોતપોતાના વલણને આજે પણ વળગી રહ્યા હતા. બંને પક્ષ વચ્ચે આઠમા રાઉન્ડની ચર્ચા 8 જાન્યુઆરીએ યોજાશે.
ખેડૂતો કૃષિ કાયદાઓને રદબાતલ કરવાની માગણી પર મક્કમ હતા જ્યારે સરકારના પ્રધાનોએ કાયદાઓને રદ ન કરવાના નિર્ણયનો પુનરોચ્ચાર કર્યો હતો. તોમરે ખેડૂત આગેવાનોને કહ્યું કે આ કાયદા ખેડૂતો માટે લાભદાયી છે. સરકાર એમાં સુધારો કરવા તૈયાર છે. સરકારે કૃષિ કાયદાઓમાં સુધારા માટે સંયુક્ત સમિતિ નિમવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, પણ ખેડૂતોએ તેને ફગાવી દીધો.