પંચાયત-ચૂંટણીમાં હિંસા મામલે WB સરકાર સામે સુપ્રીમની લાલ આંખ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણીમાં થઈ રહેલી હિંસા સામે લાલ આંખ કરી છે. કોર્ટે કહ્યું હતું કે ચૂંટણી કરાવવી એ હિંસા કરવાનું લાઇસન્સ નથી. કોર્ટે ચૂંટણીમાં કેન્દ્રીય દળોની તહેનાતી મામલે પણ મમતા સરકારને ફટકાર લગાવી હતી.

કોર્ટે પંચાયત ચૂંટણી મામલે મમતા સરકાર પર સવાલ ઉઠાવ્યા હતા. કોર્ટે કહ્યું હતું કે નિષ્પક્ષ અને સ્વતંત્ર ચૂંટણી લોકતંત્રની ઓળખ છે. પંચાયત ચૂંટણીમાં હિંસા મામલે સરકાર અને રાજ્ય ચૂંટણી પંચની અરજી મામલે જસ્ટિસ બીવી નાગરત્ના અને જસ્ટિસ મનોજ મિશ્રાની ખંડપીઠે આ મામલે સુનાવણી હાથ ધરી હતી. કોલકાતા હાઇકોર્ટે 48 કલાકમાં દરેક જિલ્લામાં કેન્દ્રીય સુરક્ષા દળોની તહેનાત કરવાનો આદેશ આપ્યો હતો, જેની સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. રાજ્ય સરકારના વકીલ સિદ્ધાર્થ અગ્રવાલે કહ્યું હતું કે 13 જૂને રાજ્ય ચૂંટણી પંચ સુરક્ષાને લઈને રાજ્ય સરકારની સાથે સમીક્ષા કરી રહ્યું હતું, પરંતુ 15 જૂને હાઇકોર્ટે 48 કલાકમાં અર્ધસૈનિક દળોને તહેનાત કરવાનો આદેશ આપ્યો હતો.  

જસ્ટિસ નાગરત્નાએ પૂછ્યું હતું કે હજી ત્યાં વાસ્તવિક પરિસ્થિતિ શી છે? સિદ્ધાર્થ અર્ગવાલે કહ્યું હતું કે આઠ જુલાઈએ ચૂંટણી થવાની છે. આજે નામ પરત ખેંચવાની છેલ્લી તારીખ છે. રાજ્યભરમાં 189 મતદાન કેન્દ્રો સંવેદનશીલ છે. બંગાળ સરકારે કહ્યું હતું કે અમે સુરક્ષા માટે સંપૂર્ણ રીતે સજજ્ છીએ.

જસ્ટિસ નાગરત્નાએ પૂછ્યું હતું કે હાઇકોર્ટે એ આદેશ એટલા માટે આપ્યો હતો કે રાજ્યમાં 2013 અને 2018માં થયેલી ચૂંટણીમાં હિંસાનો જૂનો ઇતિહાસ રહ્યો છે. હિંસાના માહોલમાં સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી ના કરાવી શકાય.ચૂંટણી તો નિર્ભય, નિષ્પક્ષ અને સ્વતંત્ર થવી જોઈએ.