દેશમાં ફૂટવેર માટે પહેલી જુલાઈથી કડક કાયદાઓ લાગુ થશે

નવી દિલ્હીઃ દેશના ફૂટવેર ઉદ્યોગ માટે પહેલી જુલાઈથી આકરા કાયદા લાગુ થવાના છે. એ સાથે હવે દેશમાં હલકી ગુણવત્તાઓનાં જૂતાં-ચંપલોનો દોર પૂરો થઈ જશે. અત્યાર સુધી સોના-ચાંદીના વિવિધ ઉત્પાદનો માટે લાગુ થનારા BIS માપદંડો ફૂટવેર પર પણ લાગુ થશે. ફૂટવેર ઉત્પાદનોના મોટા અને મધ્યમ સ્તરના ઉત્પાદકો અને બધી આયાતોને એક જુલાઈથી 24 ઉત્પાદનો માટે ફરજિયાત ગુણવત્તાના માપદંડોનું પાલન કરવાનું રહેશે. ચીન દેશોથી ખરાબ ગુણવત્તાવાળાં ઉત્પાદનોની આયાતને અટકાવવા માટે આ માપદંડો લાગુ કરવામાં આવી રહ્યા છે.

દિલ્હીમાં પત્રકારોને સંબોધિત કરતા BISના ડિરેક્ટર જનરલ પ્રમોદ કુમાર તિવારીએ ફૂટવેર અને અન્ય ઉત્પાદનો માટે સરકાર દ્વારા હાલમાં જારી કરવામાં આવેલા ક્વોલિટી કન્ટ્રોલના આદેશોના મહત્ત્વ અંગે પ્રકાશ ફેંક્યો હતો. તેમણે કહ્યું હતું કે ગુણવત્તા નિયંત્રણ આદેશો હેઠળ ફૂટવેરનાં ઉત્પાદનોનું ઉત્પાદન, આયાત અને વેચાણ માટે BIS લાઇસન્સ ફરજિયાત હશે.

તેમણે કહ્યું હતું કે આ માપદંડ ગુણવત્તા અને પ્રામાણિકતા સુનિશ્ચિત કરવા માટે વેપાર અને ઉદ્યોગોની સંસ્થા, કન્ઝ્યુમર સંગઠનો અને પ્રતિનિધિઓ સાથે વિચારવિમર્શ કર્યા પછી નક્કી કરવામાં આવે છે. તેમણે કહ્યું હતું કે લઘુ અને નાના ઉદ્યોગો માટે નિયમો આ નિયમો આવતા વર્ષની પહેલી જાન્યુઆરીથી લાગુ થશે.

સરકારે હાલમાં પ્રમાણિત સ્ટાર્ટઅપર્સ અને માઇક્રો ઇન્ડસ્ટ્રિયલ યુનિટો માટે ક્વોલિટી કન્ટ્રોલ ઓર્ડર્સ હેઠળ ફૂટવેર ઉત્પાદનોના પરીક્ષણ ચાર્જમાં 80 ટકાનો કાપ મૂક્યો છે, એમ તેમણે કહ્યું હતું.