યોગ મારફત અનેક પ્રકારના વિરોધાભાસનો અંત લાવીએઃ પીએમ મોદી

ન્યૂયોર્કઃ સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી નિરોગી રહેવા માટેની પ્રાચીન ભારતીય વિદ્યા – યોગમાંથી દુનિયાભરનાં લોકો પ્રેરણા લઈ શકે એ માટે દર વર્ષે 21 જૂનનો દિવસ દુનિયાભરમાં ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આજે આ વિશેષ દિવસ નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક વિડિયો સંદેશ બહાર પાડ્યો છે. એમાં તેમણે જણાવ્યું છે કે ભારતે હંમેશાં એવી પરંપરાઓને અપનાવી છે જે એકત્રિત કરે છે અપનાવે છે અને સમાવે છે. વડા પ્રધાને લોકોને અપીલ કરી છે કે યોગવિદ્યા મારફત આપણે અનેક પ્રકારના અંતર-વિરોધ, ગતિ-રોધ, પ્રતિ-રોધને નાબૂદ કરી દઈએ.

મોદીએ વધુમાં કહ્યું છે કે, ભારતનાં લોકોએ નવા વિચારોનું સ્વાગત કર્યું છે, એમનું જતન કર્યું છે અને દેશની સમૃદ્ધ વિવિધતામાં એકતાને વધાવી છે. યોગવિદ્યા આવી લાગણીઓને વધારે મજબૂત બનાવે છે, આંતરિક દ્રષ્ટિકોણને વિસ્તૃત બનાવે છે અને આપણને એવી ચેતના સાથે જોડે છે જે આપણને જીવમાત્ર પ્રત્યે પ્રેમના આધાર સાથે એકતાની અનુભૂતિ કરાવે છે.

વડા પ્રધાન મોદી હાલ અમેરિકાના સત્તાવાર પ્રવાસે ગયા છે. ત્યાં ન્યૂયોર્કમાં આજે સંયુક્ત રાષ્ટ્ર (યૂએન) સંસ્થાના મુખ્યાલયમાં ઈન્ટરનેશનલ ડે ઓફ યોગા ઉજવણી કાર્યક્રમની આગેવાની લેશે.