ભડકાઉ ભાષણ મામલે અશ્વિની ઉપાધ્યાય સહિત છની ધરપકડ

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીના જંતરમંતર પર આઠ ઓગસ્ટે એક ભડકાઉ અને મુસ્લિમવિરોધી સૂત્રોચ્ચાર લગાવવાના આરોપમાં ભાજપના નેતા અશ્વિની ઉપાધ્યાય અને છ અન્ય લોકોની દિલ્હી પોલીસે ધરપકડ કરી છે. અશ્વિની ઉપાધ્યાય સિવાય વિનોદ શર્મા, દીપક સિંહ, વિનીત ક્રાંતિ, પ્રીત સિંહ અને દીપકની ધરપકડ કરવામાં આવી છે. પ્રીત સિંહ સેવ ઇન્ડિયા ફાઉન્ડેશનના ડિરેક્ટર છે, જેના બેનર હેઠળ આઠ ઓગસ્ટે જંતરમંતર પર કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. પોલીસે તેમની સામે સાંપ્રદાયિક સૂત્રોચ્ચાર મામલે કેસ નોંધ્યા છે. પોલીસે અશ્વિનીને કોનોટ પ્લેસ પોલીસ સ્ટેશનમાં પૂછપરછ માટે હાજર થવા માટે કહ્યું છે. આ સિવાય અન્ય લોકોને પોલીસે બોલાવ્યા હતા અને તેમની પૂછપરછ તપાસ કરી હતી.

જંતર મંતર પર વિરોધ પ્રદર્શન દરમ્યાન મુસ્લિમવિરોધી સૂત્રો લગાવવાનો એક વિડિયો સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર વાઇરલ થયા પછી પોલીસ એક્શનમાં આવી હતી. ભારત જોડો આંદોલન દ્વારા રવિવારે જંતર મંતર પર આયોજિત વિરોધ પ્રદર્શનમાં સેંકડો લોકો સામેલ થયા હતા.

અશ્વિની ઉપાધ્યાયે કહ્યું હતું કે એ વાઇરલ વિડિયોની સત્યતાની તપાસ થવી જોઈએ. જો એ વિડિયો સાચો હોય કે ફેક હોય તો એમાં સામેલ લોકોની સામે પગલાં લેવાવાં જોઈએ. મને ખબર નથી તેઓ કોણ છે, મેં તેમને ક્યારેય જોયા નથી, કે હું તેમને ક્યારેય મળ્યો નથી અને ન તો તેમને બોલાવ્યા છે. જ્યાં સુધી હું ત્યાં હતો, ત્યાં સુધી તેઓ ત્યાં નહોતા. જો વિડિયો ફેક  છે અને પ્રચાર કરવામાં આવી રહ્યો છે કે ભારત જોડો આંદોલનને બદનામ કરો, એમ તેમણે કહ્યું હતું.

નવી દિલ્હીના DCP દીપક યાદવના જણાવ્યા મુજબ જંતર મંતર પર એકત્ર થયેલા લોકોએ મંજૂરી નહોતી લીધી.