નવી દિલ્હીઃ કેન્દ્રીય કૃષિ પ્રધાન અને ખેડૂત-કલ્યાણ ખાતાના પ્રધાન નરેન્દ્રસિંહ તોમરે આજે ફરીથી ખેડૂતોના સંગઠનોને અપીલ કરી છે કે મોદી સરકારે લાગુ કરેલા ત્રણ કૃષિ કાયદાઓના મામલે ઊભી થયેલી મડાગાંઠ ઉકેલવા તેઓ વિકલ્પ આપે. કાયદાઓને રદ કરવાની માગણી સિવાય ખેડૂતો બીજો કોઈ પણ વિકલ્પ આપે, સરકાર તેની પર જરૂર વિચારણા કરશે.
ઉલ્લેખનીય છે કે, સરકાર અને આંદોલનકારી ખેડૂતો વચ્ચે મંત્રણાનો 10મો રાઉન્ડ 19 જાન્યુઆરીએ યોજાવાનો છે. આ કાયદાઓ સરકારે ગયા વર્ષે લાગુ કર્યા હતા. ખેડૂતોના આંદોલનનો આજે 53મો દિવસ છે. ભારતીય કિસાન યૂનિયનના પ્રમુખ રાકેશ ટિકૈતે કહ્યું છે કે અમે 2024 ના મે મહિના સુધી (જ્યારે નવી લોકસભાની ચૂંટણી નિર્ધારિત છે ત્યાં સુધી) આંદોલન કરવા તૈયાર છીએ. આ આદર્શવાદ માટેની ક્રાંતિ છે.