દેશમાં જૂન પછી કોરોનાના સૌથી ઓછા કેસ

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસમાં નિરંતર ઘટાડો થઈ રહ્યો છે. નવા કેસોની સાથે મૃતકોની સંખ્યામાં પણ ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં જૂન મહિના પછી કોરોના સંક્રમણના સૌથી ઓછા કેસ નોંધાયા છે. દેશમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા 1.05 કરોડને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 13,788 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 145 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 1,05,71,773 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,52,419 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 1,02,11,342  લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 14,457 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 2,08,012 પહોંચી છે. રિકવરી રેટ વધીને 96.59 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.44 ટકા થયો છે.

કોરોના રસીથી 447 લોકોને આડઅસર

કોરોના રસીકરણના પહેલા તબક્કામાં ત્રણ કરોડ કોરોના વોરિયર્સને સૌથી પહેલા રસી આપવામાં આવી રહી છે. 16 જાન્યુઆરીથી શરૂ થયેલા આ અભિયાનની વચ્ચે થોડી ચિંતા વધારનારા અહેવાલો સામે આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે કોરોના રસી લીધા બાદ અત્યાર સુધી કુલ 447 લોકો પર આડઅસર થઈ છે. તેમાંથી ત્રણ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.