‘તાંડવ’ વેબસિરીઝઃ એમેઝોન-પ્રાઈમ, નિર્માતા, દિગ્દર્શક સામે FIR

નવી દિલ્હીઃ એમેઝોન પ્રાઈમ વિડિયો પર હાલમાં જ રિલીઝ થયેલી મલ્ટીસ્ટારર ‘તાંડવ’ વેબસિરીઝના કેટલાક સંવાદોથી હિન્દુ લોકોની ધાર્મિક લાગણી દુભાઈ છે એવા આરોપ સાથે કરાયેલી ફરિયાદને પગલે લખનઉ શહેરના હઝરતગંજ પોલીસ સ્ટેશનમાં એમેઝોન ઓરિજિનલના ભારતમાંના કન્ટેન્ટ વિભાગના વડા, વેબસિરીઝના દિગ્દર્શક, નિર્માતા અને લેખકો સામે એફઆઈઆર (ફર્સ્ટ ઈન્ફોર્મેશન રિપોર્ટ) નોંધવામાં આવી છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે પણ એમેઝોન પ્રાઈમ વિડિયો તરફથી ખુલાસો માગ્યો છે.

આરોપીઓ સામે ભારતીય ફોજદારી કાયદાની કલમો 153A, 295, 505, 469 તેમજ માહિતી ટેક્નોલોજી કાયદા, 2000 અંતર્ગત ફરિયાદ નોંધવામાં આવી છે. એફઆઈઆર અનુસાર, પોલીસે તાંડવ વેબસિરીઝ અંગે સોશિયલ મિડિયા પર કરાયેલી ટીકાઓને પણ ધ્યાનમાં લીધી છે અને તપાસ પરથી એને માલૂમ પડ્યું છે કે સિરીઝમાં અશ્લીલ દ્રશ્યો છે, ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડવામાં આવી છે અને હિન્દુ દેવી-દેવતાઓને વાંધાજનક રીતે દર્શાવવામાં આવ્યા છે. અલી અબ્બાસ ઝફર દિગ્દર્શિત આ વેબસિરીઝમાં સૈફ અલી ખાન, ડિમ્પલ કાપડિયા, સુનીલ ગ્રોવર જેવા કલાકારો છે.