આજે સાંજે ખૂલશે સસ્પેન્સ; રાજસ્થાનના નવા CMના નામની કરાશે જાહેરાત

જયપુરઃ રાજસ્થાન રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી જીતીને ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસના હાથમાંથી સત્તા છીનવી લીધી છે. હવે વિજેતા પાર્ટી રાજ્યનું નેતૃત્ત્વ કોને સોંપે છે તેની પર સૌની મીટ મંડાયેલી છે. રાજસ્થાન ભાજપ વિધાનસભા પક્ષની બેઠક આજે સાંજે 4 વાગ્યે અહીં મળવાની છે અને એમાં નિર્ણય લેવામાં આવશે કે રાજ્યના નવા મુખ્ય પ્રધાન કોને બનાવવા.

આ બેઠક જયપુરમાં પક્ષના મુખ્યાલય ખાતે મળશે અને એમાં પક્ષના કેન્દ્રીય નિરીક્ષક – સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ પણ હાજર રહેશે. એમની સાથે અન્ય બે સહ-નિરીક્ષકો પણ હાજર રહેશે, જેમાંના એક છે રાષ્ટ્રીય ઉપપ્રમુખ સરોજ પાંડે અને બીજા છે રાષ્ટ્રીય મહામંત્રી વિનોદ તાવડે. પક્ષના નવા ચૂંટાયેલા તમામ વિધાનસભ્યોને જણાવી દેવામાં આવ્યું છે કે સાંજની બેઠકમાં એમણે ફરજિયાતપણે હાજર રહેવું. તે બેઠકમાં જ મુખ્ય પ્રધાનના નામની જાહેરાત કરાશે.

CM પદ માટે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વસુંધરા રાજે તથા કેન્દ્રીય પ્રધાનો – અર્જુન રામ મેઘવાળ, ગજેન્દ્ર સિંહ શેખાવત અને અશ્વિની વૈષ્ણવના નામ મુખ્ય દાવેદાર તરીકે સંભળાય છે. હાલમાં જ સમાપ્ત થયેલી ચૂંટણી ભાજપે 199 બેઠકોમાંથી 115 જીતીને સ્પષ્ટ બહુમતી હાંસલ કરી હતી. એક ઉમેદવારના નિધનને કારણે તે બેઠકની ચૂંટણી મુલતવી રાખવામાં આવી છે.