દાના વાવાઝોડાને પગલે વરસાદનું રેડ અલર્ટઃ 500થી વધુ ટ્રેનો રદ

નવી દિલ્હીઃ હવામાન વિભાગે વાવાઝોડા દાના મુદ્દે બંગાળ અને ઓડિશા સહિત કેટલાંક રાજ્યોમાં 24-25 ઓક્ટબરે ભારે વરસાદની સંભાવના છે. આ વાવાઝોડાની અસર ઓડિશાથી માંડીને બંગાળ, બિહાર, અને ઝારખંડ સુધી જોવા મળવાની સંભાવના છે. રાહત અને બચાવ કાર્યો માટે NDRFની 288 ટીમે તહેનાત કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર 14 જિલ્લાના 10 લાખ લોકોને સુરક્ષિત શિબિરોમાં પહોંચાડવામાં આવ્યા છે.

ઓડિશા અને બંગાળમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સેના, ભારતીય વાયુસેના અને ભારતીય નૌકાદળની ટીમોને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. બંને રાજ્યોના દરિયાકાંઠાના વિસ્તારોને ખાલી કરાવવામાં આવ્યા છે. આગામી પાંચ દિવસ માટે શાળા-કોલેજો, આંગણવાડી અને સરકારી કચેરીઓ બંધ રાખવામાં આવી છે. કંપનીઓના કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમના નિર્દેશ આપવામાં આવ્યા છે. ડોકટરો, પોલીસ કર્મચારીઓ, CRPF અને સંબંધિત અધિકારીઓની રજાઓ પણ રદ કરવામાં આવી છે.

ઓડિશાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ મિનિસ્ટર સુરેશ પૂજારીએ  જણાવ્યું હતું કે ‘દાના વાવાઝોડાની સૌથી પહેલા ઓડિશાના પુરીમાં દરિયાકાંઠે ટકરાશે. જેને કારણે પુરી શહેરને ખાલી કરાવવામાં આવ્યું છે. પુરીનાં મંદિરો બંધ છે અને પુરીથી લગભગ 10,000 શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને તેમના ઘરે મોકલવામાં આવ્યા છે. પુરીમાં આગામી ચાર દિવસ માટે હોટેલનું બુકિંગ રદ કરવામાં આવ્યું છે. નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફોર્સ (NDRF)ની 20 ટીમ, ઓડિશા ડિઝાસ્ટર રિલીફ ફોર્સ (ODRF)ની 51 અને ફાયર વિભાગની લગભગ 178 ટીમ તહેનાત કરવામાં આવી છે.’

દાના વાવાઝોડાને પગલે 500થી વધુ ટ્રેન રદ કરવામાં આવી છે. સાઉથ ઈસ્ટ રેલવેએ 150 ટ્રેનો રદ કરી છે. ઈસ્ટ કોસ્ટ રેલવેએ 198 ટ્રેનો રદ કરી છે, ઈસ્ટર્ન રેલવેએ 190 ટ્રેનો રદ કરી છે, દક્ષિણ-પૂર્વ મધ્ય રેલવેએ 14 ટ્રેનો રદ કરી છે. 6000 રાહત શિબિરો બનાવવામાં આવી છે. હેલ્પલાઇન નંબર 1962 જાહેર કરવામાં આવ્યો છે. ઓડિશા સિવિલ સર્વિસ એક્ઝામિનેશન (OPSC) પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે.