સીબીઆઈના મુખ્યાલયની બહાર વિપક્ષોનાં દેખાવોની રાહુલે આગેવાની લીધી, ધરપકડ વહોરી

નવી દિલ્હી – કેન્દ્રીય તપાસ એજન્સી સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ના ડાયરેક્ટર આલોક વર્માને એમના હોદ્દા પર પ્રસ્થાપિત કરવાની માગણી સાથે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી એમની પાર્ટીના તેમજ સહયોગી પાર્ટીઓના નેતાઓની સાથે આજે અહીં રસ્તા પર ઉતર્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ‘ચોર’ તરીકે ઓળખાવ્યા બાદ એમણે ધરપકડ પણ વહોરી લીધી હતી.રાહુલ ગાંધીએ દક્ષિણ દિલ્હીમાં લોધી રોડ વિસ્તારમાં આવેલા સીબીઆઈના મુખ્યાલયની બહાર દેખાવો કર્યા હતા અને કોંગ્રેસના કાર્યકર્તાઓની ભીડને કરેલા ટૂંકા સંબોધનમાં કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દેશની દરેક સંસ્થાઓને ખતમ કરી રહ્યા છે, કારણ કે એ રાફેલ સોદામાં થયેલા ભ્રષ્ટાચારને છૂપાડવા માગે છે. મોદી સીબીઆઈ, ચૂંટણી પંચ તથા અન્ય સંસ્થાઓ પર આક્રમણ કરી રહ્યા છે.

સીબીઆઈ ડાયરેક્ટર આલોક વર્મા પાસેથી એમની સત્તા અને ફરજ અને કામગીરીને પાછી લઈ લેવાના કેન્દ્ર સરકારના નિર્ણયને રાફેલ સોદા મામલે થયેલા વિવાદ સાથે સાંકળીને રાહુલ ગાંધીએ એવો આક્ષેપ કર્યો હતો કે વડા પ્રધાન મોદીએ રાફેલ સોદા મારફત એક ઉદ્યોગપતિને રૂ. 30,000 કરોડ જેટલો લાભ કરાવી આપ્યો છે.

પક્ષના કાર્યકર્તાઓ દ્વારા જોરદાર નારાબાજી વચ્ચે રાહુલે કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી ‘ચોકીદારને’ આ ચોરી કરવા દેશે નહીં. વિરોધ પક્ષો ચોકીદારને ચોરી કરવા દેશે નહીં.

એક ટ્રક ઉપર ઊભા રહીને રાહુલ ગાંધીએ ‘ચોકીદાર ચોર હૈ’ એવા નારા લગાવ્યા હતા. કોંગ્રેસી કાર્યકર્તાઓના ટોળાએ એનો પુનરોચ્ચાર કર્યો હતો.

રાહુલ ગાંધીની સાથે એમની પાર્ટીના ભૂપિન્દર હુડ્ડા, એહમદ પટેલ, અશોક ગેહલોત, રણદીપ સિંહ સુરજેવાલા જેવા વરિષ્ઠ નેતાઓ તેમજ તૃણમુલ કોંગ્રેસ, સીપીઆઈ અને લોકતાંત્રિક જનતા દળ જેવા વિરોધ પક્ષોના નેતાઓ પણ હતા.

ત્યારબાદ રાહુલ ગાંધી તથા અન્ય નેતાઓને પોલીસે અટકાયતમાં લીધા હતા અને એમને લોધી કોલોની પોલીસ સ્ટેશનમાં લઈ ગયા હતા.

અશોક ગેહલોતે કહ્યું કે આલોક વર્માને એમના હોદ્દા પર પ્રસ્થાપિત કરવામાં આવે એવી માગણી સાથે કોંગ્રેસ પાર્ટીએ આજે દેશભરમાં સીબીઆઈ ઓફિસોની બહાર દેખાવો કર્યા છે. વર્માની બદલી માત્ર વડા પ્રધાન, દેશના ચીફ જસ્ટિસ અને વિપક્ષી નેતાનું બનેલું જૂથ જ કરી શકે. સીબીઆઈની પ્રતિષ્ઠાનો નાશ કરવા બદલ વડા પ્રધાને રાષ્ટ્રની માફી માગવી જોઈએ.