રાહુલ રીએક્શનઃ DRDO પર ગર્વ, PM મોદીને વર્લ્ડ થિયેટર ડેની શુભકામના

નવી દિલ્હી– વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જાહેર કર્યું કે, ભારતે અંતરિક્ષમાં એન્ટી મિસાઈલની મદદથી એક લાઈવ સેટેલાઈટને તોડી પાડયો છે. ભારતે આજે તેમનું નામ અંતરિક્ષ મહાશક્તિ તરીકે પ્રસ્થાપિત કર્યું છે. આ સાથે ભારત અંતરિક્ષ ક્ષમતા મામલે ચોથો દેશ બની ગયો છે.

વડાપ્રધાન મોદીના આ રાષ્ટ્ર સંબોધન બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મિશન શક્તિ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ખુબજ સરસ ડીઆડીઓ, અમને તમારા કાર્ય પર ગર્વ છે, હું વડાપ્રધાન મોદીને વર્લ્ડ થિયેટર દિવસની શુભકામના.

રાહુલ ગાંધીના ટ્વીટને ભાજપના નેતા વિકાસ પ્રીતમે રિટ્વીટ કરતા લખ્યું કે, આ ડીઆરડીઓ કોણ છે? ધન્યવાદ આપવા  હોઈ તો નેહરુને આપો, જેમણે ઈસરોને બનાવ્યું. ઈન્દિરા ગાંધીને ધન્યવાદ આપો, જેમણે સેટેલાઈટના સેમી કેડક્ટર બનાવ્યા. ધન્યવાદ રાજીવ ગાંધીને આપો જે કોમ્પ્યુટર લઈને આવ્યા. સોનિયા ગાંધીને આપો જે મનરેગા લાવી. બધુ તમારુ જ છે, આમા મોદી અને ડીઆરડીઓ ક્યાંય નથી.

રાહુલ ગાંધીના આ નિવેદન બાદ સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે પણ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, મોદી કલાક સુધી ટીવી પર રહ્યાં તેમણે જમીની મુદ્દાઓ પરથી દેશનું ધ્યાન હટાવ્યું છે. અખિલેશ યાદવે વડાપ્રધાન મોદી પર આરોપ લગાવ્યો કે, ભારતની એન્ટી સેટેલાઈટ મિસાઈલની ક્ષમતા પર સંબોધન કરીને જમીન સ્તરના અન્ય મુદ્દાઓ પરથી દેશનું ધ્યાન હટાવ્યું છે.

અખિલેશ યાદવે ટ્વીટ કરીને કહ્યું કે, આજે નરેન્દ્ર મોદી ફ્રીમાં કલાક સુધી ટીવી પર રહ્યાં, તેમણે આકાશ તરફ ઈશારા કરીને બેરોજગારી, ગ્રામીણ સંકટ, મહિલા સુરક્ષા જેવા મુદ્દાઓ પરથી દેશનું ધ્યાન હટાવ્યું છે.

આ ઉપરાંત કોંગ્રેસે મિશન શક્તિની સફળતા માટે ડીઆરડીઓને ધન્યવાદ પાઠવતા કહ્યું કે, પંડિત જવાહરલાલ નેહરુ અને વિક્રમ સારાભાઈની દિવ્યદ્રષ્ટીને કારણે આજે ભારત અંતરિક્ષ ટેકનોલોજી ક્ષેત્રમાં આગળ છે.

પાર્ટીના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કરીને કહ્યું કે, મિશન શક્તિની સફળતા માટે ડીઆરડીઓને ધન્યવાદ તેનો પાયો યુપીએ સરકારના સમય દરમિયાન વર્ષ 2012માં નાખવામાં આવ્યો હતો. આ ભારત માટે ગૌરવની ક્ષણ છે.

માયાવતીએ ટ્વીટ કર્યું કે, વૈજ્ઞાનિકોએ અતંરિક્ષમાં લાઈવ સેટેલાઈટને તોડી પાડવાના સફળ પરિક્ષણ કરીને દેશનું માથુ ઉંચુ કરી દીધું છે, તે બદલ તેમને ધન્યવાદ. પરંતુ મિશન શક્તિની આડમાં વડાપ્રધાન મોદી દ્વારા ચૂંટણીના લાભ માટે રાજનીતિ કરી તે અતિ નિંદનીય છે.

મિશન શક્તિ પર લતા મંગેશકરે ટ્વીટ કરતા લખ્યું કે, નમસ્કાર ભારતના મિશન શક્તિની સફળતા પર આપણા વૈજ્ઞાનિકો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું હું અભિનંદન પાઠવું છું. વન્દે માતરમ્.