મોદી સરકારના આર્થિક પેકેજ મામલે રાહુલ ગાંધીનું નિવેદન

નવી દિલ્હીઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક ડિજિટલ પ્રેસ કોન્ફરન્સ કરીને મીડિયા સાથે વાત કરી હતી. આ દરમિયાન તેમણે વડાપ્રધાન મોદી પાસેથી ન્યાય યોજના લાગૂ કરવાની માંંગ કરી છે. રાહુલ ગાંધીએ માં અને બાળકોનું ઉદાહરણ આપતા કહ્યું કે, જ્યારે બાળકોને વાગે છે તો માં બાળકોને ઋણ નથી આપતી પરંતુ તેને મદદ કરે છે. ભારત માતાને પોતાના બાળકો માટે સાહુકારનું કામ ન કરવું જોઈએ, તેણે બાળકોને પૈસા આપવા જોઈએ. તેમણે કહ્યું કે, જે પ્રવાસી મજૂરો રોડ પર ચાલી રહ્યા છે, તે લોકોને પૈસાની જરુર છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, આખો દેશ અત્યારે એક મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. લોકોને આજે પૈસાની જરુર છે. ત્યારે આવામાં સરકારને સાહુકાર જેમ કામ ન કરવું જોઈએ. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે, સાંભળ્યું છે કે પૈસા ન આપવાનું કારણ રેટિંગ છે. જો આજે આપણે થોડી ખોટ વધારી દીધી તો પછી બહારની એજન્સીઓ ભારતનું રેટિંગ ઓછું કરી દેશે અને આપણું નુકસાન થશે. હું વડાપ્રધાનને કહેવા માંગુ છું કે, આપણું રેટિંગ ખેડૂતો અને મજૂરો બનાવે છે. આજે તેમને આપણી જરુર છે, રેટિંગ મામલે ન વિચારશો. ભારતનું રેટિંગ ભારતના લોકોથી છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે, પેકેજમાં ઋણની વાત કરવામાં આવી છે પરંતુ આનાથી માંગ શરુ નહી થાય. તેમણે કહ્યું કે, મોદી સરકારને પેકેજ પર ફરીથી વિચાર કરવો જોઈએ. તેમાં માંગને શરુ કરવા માટે સેક્શન ઉમેરવું જોઈએ. પૈસા આપવાની જરુર છે. જો આવું નહી કરવામાં આવે તો ખૂબ મોટું આર્થિક નુકસાન થશે.