સંસદમાં દેખાવો દરમ્યાન રાહુલ ગાંધીએ ધક્કો માર્યોઃ પ્રતાપ સારંગી

નવી દિલ્હીઃ સંસદનાં બંને ગૃહોમાં બાબા સાહેબ આંબેડકરને મુદ્દે કોંગ્રેસ ને ભાજપ –બંને દેખાવો કરી રહ્યા છે. એ દરમ્યાન ભાજપના સાંસદ પ્રતાપ સારંગીના માથામાં ઇજા થઈ હતી. ભાજપ નેતાને ICUમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘાયલ સાંસદે આરોપ લગાવ્યો હતો કે રાહુલ ગાંધીએ ધક્કો એક સાંસદને માર્યો, જેથી એ સાંસદ મારા પર પડ્યા હતા. સંસદમાં ભારે હંગામાને પગલે રાજ્યસભા અને લોકસભાની કાર્યવાહી બે વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે.

ગૃહમંત્રી અમિત શાહના ડો. આંબેડકર મુદ્દે સંસદમાં આપેલા નિવેદન પર રાજકારણ ગરમાયું છે. હવે આ મામલે આજે ભાજપ અને કોંગ્રેસ બંને આક્રમક મૂડમાં દેખાયા હતા અને જેના દૃશ્યો સંસદના પ્રાંગણમાં જ સામે આવી ગયા હતા. આ દરમિયાન ભાજપ અને કોંગ્રેસના સાંસદો વચ્ચે ધક્કામુક્કી અને રોકા-ટોકીના અહેવાલ સામે આવ્યા.

સારંગીના આરોપ પર વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ભાજપના સાંસદો પર આરોપ લગાવ્યો હતો કે મને અંદર જવાથી અટકાવવામાં આવ્યો હતો. મારી સાથે ધક્કામુક્કી કરી અને મને ધમકાવવામાં આવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે તેમને અને મલ્લિકાર્જુન ખડગેને પણ ધક્કો મારવામાં આવ્યો હતો. સંસદમાં જવું એ મારો અધિકાર છે. મારી સાથે ભાજપના સાંસદોએ ધક્કામુક્કી કરી રહ્યા હતા, એમ તેમણે કહ્યું હતું.

આ પહેલાં ભાજપના સાંસદ પ્રતાપ સારંગીને ધક્કો વાગતાં તે પડી ગયા અને તેમને ઈજા થઇ. હાલ તેમને સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. જેની સામે કોંગ્રેસે પણ વળતો પ્રહાર કરતાં આરોપ લગાવ્યાં કે ભાજપના સાંસદો અમને ધમકાવી રહ્યા હતા અને ડો. આંબેડકરનું અપમાન કરે છે. આ લોકો કહે છે કંઇ અને કરે છે કંઇ.

ગૃહપ્રધાન  અમિત શાહના નિવેદનને લઈને વિપક્ષ આક્રમક છે. વિપક્ષી દળો ઇન્ડિયા ગઠબંધન સંસદમાં પ્રોટેસ્ટ માર્ચ કરી રહ્યા હતા. આ માર્ચ સંસદમાં લાગેલી આંબેડકરની પ્રતિમાથી માંડીને મકર દ્વાર સુધી હતી.