PMને હસ્તે નવી સંસદનું ઉદઘાટન થશેઃ 19 વિરોધ પક્ષોનો બોયકોટ

નવી દિલ્હીઃ નવી સંસદના ઉદઘાટનને લઈને વિવાદ વધતો જઈ રહ્યો છે. 28 મેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નવા સંસદ ભવનનું ઉદઘાટન કરશે, પણ વિરોધ પક્ષોએ એનો બોયકોટ કરવાનો નિર્ણય કર્યો છે. 19 વિરોધ પક્ષોએ ઉદઘાટન સમારોહના બહિષ્કારનું એલાન કર્યું છે.

નવા સંસદ ભવનના ઉદઘાટન પ્રસંગે 60,000 શ્રમિકોનું સન્માન કરશે, જેમણે સંસદ ભવનના નિર્માણમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે નવી સંસદમાં સેંગોલ સ્થાપિત કરવામાં આવશે. સંસદ જે દિવસે રાષ્ટ્રને સમર્પિત થશે. એ દિવસે તામિલનાડુથી આવેલા વિદ્યાનો દ્વારા સેંગોલ વડા પ્રધાનને આપવામાં આવશે,. એ પછી એ સંસદમાં કાયમી સ્થાપિત થશે. સેંગોલ આ પહેલાં અલાહાબાદના સંગ્રહાલયમાં રાખવામાં આવી હતી, એમ તેમણે જણાવ્યું હતું.

હવે આ પક્ષોમાં લાલુ યાદવની પાર્ટી RJD, મહારાષ્ટ્રના ઉદ્ધવ ઠાકરે જૂથ અને શરદ પવારની પાર્ટી NCP પણ સામેલ થઈ ગઈ છે. એ પહેલાં તૃણમૂલ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, સીપીઆઇ (એમ) અને સીપીઆઇ પહેલેથી ઉદઘાટન કાર્યક્રમમાં સામેલ ના થવાનું એલાન કરી ચૂકી છે.

વરિષ્ઠ સાંસદ અને રાજ્યસભામાં કોંગ્રેસના નેતા આનંદ શર્માએ કહ્યું હતું કે વડા પ્રધાન મોદી માટે સંસદના નવા ભવનનું ઉદઘાટન કરવું એ બંધારણીય રીતે યોગ્ય નથી. વાસ્તવમાં લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ 18 મેએ વડા પ્રધાનને નવા ભવનનું ઉદઘાટન કરવાનું આમંત્રણ આપ્યું હતું. જ્યારે નવી સંસદનો પાયો રાખવામાં આવ્યો, ત્યારે રાષ્ટ્રપતિને દૂર રાખવામાં આવ્યા અને હવે નવા સંસદ ભવના ઉદઘાટનથી પણ રાષ્ટ્રપતિને દૂર રાખવામાં આવી રહ્યા છે. એ ઉચિત નથી. વડા પ્રધાને રાષ્ટ્રપતિજીને આગ્રહ કરીને તેમને ઉદઘાટનમાં બોલાવવા જોઈએ, એમ તેમણે કહ્યું હતું.

કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ટ્વીટમાં લખ્યું હતું કે નવા સંસદ ભવનનું ઉદઘાટન રાષ્ટ્રપતિએ જ કરવું જોઈએ, વડા પ્રધાને નહીં.

કોંગ્રેસાધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ટ્વીટ કરીને કહ્યું હતું કે ભૂતપૂર્વ રામનાથ કોવિંદને નવા સંસદ ભવનના શિલાન્યાસ પ્રસંગે કેમ આમંત્રિત કરવામાં ના આવ્યા.