રેસલર વિનેશ ફોગાટ તો મંથરા છેઃ બ્રિજભૂષણ શરણ સિંહ

નવી દિલ્હીઃ મહિલા રેસલરોના કથિત યૌન ઉત્પીડનના આરોપોનો સામનો કરી રહેલા ભારતીય કુશ્તી મહાસંઘ (WFI)ના ભૂતપૂર્વ અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહે એક વિવાદાસ્પદ નિવેદનમાં મહિલા પહેલવાનોના વિરોધ પ્રદર્શન પર રામાયણનો સંદર્ભ આપતાં કહ્યું હતું કે વિનેશ ફોગાટ તેમના માટે મંથરા બનીને આવી ગઈ છે.

પાંચ જૂને અયોધ્યામાં આયોજિત જનચેતના મહારેલીમાં જનમેદની એકત્ર કરવાના ઉદ્ધેશથી જિલ્લામાં જનસંપર્ક દરમ્યાન તેમણે એક નુક્કડ સભાને સંબોધિત કરતાં કહ્યું હતું કે મહિલા પહેલવાન વિનેશ ફોગાટ આજે એ જ કામ કરી રહી છે, જે ત્રેતા યુગમાં મંથરાએ કર્યું હતું. કૈસરગંજથી ભાજપના સાસંદ બ્રિજભૂષણે કહ્યું હતું કે એ પહેલાં જંતર મંતર પર હજારો પહેલવાનો ધરણાં આપી રહ્યાં હતાં અને માત્ર ત્રણ યુગલ (પતિ-પત્ની) બચ્યાં છે. સાતમું કોઈ નથી જે દિવસે પરિણામ આવશે અમે મંથરાનો આભાર માનીશું.

તેમણે એ પણ આરોપ લગાવ્યો હતો કે જે રેસલરો દેખાવો કરી રહ્યા છે, તેઓ આજ સુધી જણાવી નથી શક્યા કે તેમની સાથે ક્યારે અને શું-શું થયું?  તેમણે તેમની સામેના પ્રકરણની તુલના અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મામલાથી કરી છે. તેમણે જનસભામાં કહ્યું હતું કે તમે સૌભાગ્યશાળી છો, કે એવો કેસ સામે આવ્યો છે, જેમાં ફસાઈને ક્યારેક ડોનાલ્ડ ટ્રમ્પે પણ હેરાન થવું પડ્યું હતું. આ ષડયંત્ર આજનું નથી, એ ઘણા દિવસોનું છે.

આ આરોપ ગુડ ટચ –બેડ ટચનો મામલો છે. મારા પર ખોટા આરોપ લગાવવામાં આવ્યા છે. આ પહેલાં તેમણે કહ્યું હતું કે નાર્કો ટેસ્ટ કરાવવા માટે તૈયાર છું, પણ વિનેશ ફોગાટ અને બજરંગ પૂનિયાની પણ આ તપાસ કરવામાં આવે.