બીસીસીઆઈ સાથે આદિદાસની ભાગીદારી: ભારતીય ક્રિકેટ ટીમની સત્તાવાર કિટ સ્પોન્સર બની

મુંબઈઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) અને જર્મનીની એથ્લેટિક એપરલ અને પગરખાં કંપની આદિદાસ વચ્ચે નવો ભાગીદારી-કરાર કરવામાં આવ્યો છે. આ કરાર અંતર્ગત આદિદાસ બીસીસીઆઈ માટે ભારતીય ક્રિકેટ ટીમની સત્તાવાર કિટ સ્પોન્સર કંપની બનશે. આ કોન્ટ્રાક્ટ જૂન -2023થી શરૂ થઈ 2028ના માર્ચ સુધી લાગુ રહેશે અને તે અનુસાર આદિદાસને ક્રિકેટની તમામ ફોર્મેટમાં કિટ મેન્યુફેક્ચરીંગ માટેના વિશિષ્ટ અધિકારો પ્રાપ્ત થશે. ભારતના સિનિયર પુરુષો, મહિલાઓ તેમજ યુવા ક્રિકેટરોની ટીમો માટે એમની તમામ મેચો વખતે અને ખેલાડીઓનાં તાલીમ સત્રોમાં ઉપરાંત ટ્રાવેલ વેર તરીકે આદિદાસ એકમાત્ર સપ્લાયર બનશે.

ભારતીય ખેલાડીઓ પહેલી જ વાર આદિદાસના કાળા રંગના ત્રણ પટ્ટાવાળા સિમ્બોલવાળા પહેરવેશમાં જોવા મળશે. આવતા મહિનાના આરંભમાં લંડનના ઓવલમાં ઓસ્ટ્રેલિયા સામે રમાનાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ દરમિયાન ભારતીય ટીમને પહેલી જ વાર આદિદાસની કિટ પ્રાપ્ત થશે.

આદિદાસ કંપની આ ઉપરાંત ઈન્ડિયા-A, ઈન્ડિયા-B મેન્સ અને વીમેન્સ ટીમ, ભારત અન્ડર-19 મેન્સ અને વીમેન્સ રાષ્ટ્રીય ટીમ, બધી ટીમોના કોચ અને સ્ટાફના સભ્યોને પણ પોતાની સ્પોર્ટ્સ કિટ્સ પૂરી પાડશે.

આદિદાસ દુનિયાભરમાં 61,000 લોકોને રોજગાર પૂરો પાડે છે. 2021માં એનું વેચાણ 21.2 અબજ યૂરો હતું.